- ચાર ધામમાં ભારે હિમવર્ષા
- દેવ ભૂમિ બે ફૂટ બરફથી ઢંકાઈ
- જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત
દહેરાદૂન:ઉત્તરાખંડમાં કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામ સહિત હર્ષિલ ખીણમાં મંગળવારની રાત્રે શરૂ થયેલી હિમવર્ષા બુધવારે સવારે પણ ચાલુ રહી હતી. હર્ષિલ ખીણ લગભગ દોઢથી બે ફૂટ સુધી બરફની ચાદરમાં ઢંકાયેલી જોવા મળી હતી.
હિમવર્ષાને કારણે ગંગોત્રી નેશનલ હાઇવે સુક્કી ટોપથી ગંગોત્રી સુધીના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે, ગામની ફૂટપાથ પણ બરફથી ઢંકાઈ ગઈ છે. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં ભારે હિમવર્ષાથી લોકોની મુશ્કેલીઓ વધી છે.ચમોલી, ઉત્તરકાશી, જોશીમઠ સહિત અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. 7 જાન્યુઆરી સુધી ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
રાજ્ય હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાનો સમયગાળો રહેશે.રાજ્યના મેદાની વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી ખૂબ જ હળવો વરસાદ પડી શકે છે. 2500 મીટરથી ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. દેહરાદૂન અને મસૂરીમાં સવારે વાદળછાયું આકાશ અને સાંજે હળવો વરસાદ જોવા મળી શકે છે, જે મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો લાવી શકે છે.