અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ છે, દરમિયાન આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસ પર્વ ઉપર રાજ્યભરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ખેડા જિલ્લાના ઠાકરામાં ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન શિવજીની સવારી ઉપર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. અસામાજીક તત્વોએ કરેલા પથ્થરમારામાં પીએસઆઈ સહિત 2 પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયાં હતા. શિવાજીની સવારી ઉપર પથ્થરમારાને પગલે સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ તંગ બની છે. પોલીસે તોફાનીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાં હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના પોલીસ કાફલાએ સમગ્ર વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઠાસરમાં ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતોની સાથે સ્થાનિકો પણ જોડાયાં હતા. આ યાત્રા તીનબત્તી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેથી નાસભાગ મચી ગઈ હતી. દરમિયાન બંને જૂથ સામ સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં બંદોબસ્તમાં તૈનાત પીએસઆઈ સહિત બે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયાં હતા. દરમિયાન પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ અન્ય શહેરની પોલીસની પણ મદદ લેવાઈ હતી. ઠાસરા ઉપરાંત ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જિલ્લાની એલસીબી, એસઓજી સહિતનો કાફલો ઠાસરા જવા રવાના થયો હતો. ખેડા એસપી રાજેશ ગઢીયા અને ડીવાયએસપી ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે ભારે જહેમત બાદ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.
એસપી રાજેશ ગઢિયા જણાવ્યું હતું કે, પરંપરાગત શોભાયાત્રા પર બપોરે 1 વાગ્યે નીકળી હતી. તીન બત્તી વિસ્તાર પાસે આવે છે ત્યારે અસામાજિક તત્વો દ્વારા ઇંટો મારવામાં આવે છે. આ દરમિયાન અવ્યવસ્થા સર્જાય છે. તેમાં બે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા હતા. પથ્થરમારો કરનારા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહજી પરમાર જણાવે છે કે, ‘કોઈ કારણોસર અમુક લોકોએ પથ્થરમારો કર્યો છે. જે પણ ગુનેગાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુનેગારને છોડવામાં આવશે નહીં. કાવતરું કર્યું હોય તેવું બની શકે.’ દરમિયાન વિજયદાસજી મહારાજે આરોપ લગાવ્યો હતો કે, લઘુમતી કોમની ધાર્મિક ઈમારત પાછળથી અસાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેથી આ તોફાની તત્વો સામે આકરી કાર્યવાહી કરવી જોઈએ.