Site icon Revoi.in

ગુજરાતમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દ્વારકા, જામનગરમાં રેડ એલર્ટ

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યભરમાં આગાની પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં જામનગર અને દ્વારકાને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાતમાં મેધરાજાએ વાજતે-ગાજતે પ્રવેશ કર્યા બાદ દક્ષિણ ગુજરાતના નવસારીમાં દસેક દિવસથી ચોમાસુ અટવાઈ ગયું હતું. જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાએ એન્ટ્રી લીધી છે. આ ઉપરાંત હાલમાં દક્ષિણ ગુજરાત તરફ સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઇને વરસાદ બાબતે આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં તથા દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સહિત દીવમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તદુપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 96 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જામનગરના લાલપુરમાં અઢી ઈંચ, સુરતના ઓલપાડ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં બે ઈંચ, અને બાકીના તાલુકામાં ઝાપટાંથી લઈને દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો, આકાશમાં વાદળો ગોરંભાયા છે. અને બફારો પણ વધ્યો છે. ત્યારે આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.