ભોપાલઃ ભારતીય હવામાન વિભાગે સમગ્ર ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, વિદર્ભ, છત્તીસગઢ, કોસ્ટલ કર્ણાટક, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મરાઠવાડા, કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણામાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન એજન્સીએ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા 12 ઈંચ અને જૂનાગઢના માણાવદરમાં 10 ઈંચ અને વિસાવદરમાં 9 વરસાદથી ચારે કોર પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે.
ગુજરાતમાં સિઝનનો કુલ 44.29 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આાગાહી કરી છે. જેમાં આજે નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, સોમનાથમાં ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.