Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી-વલસાડમાં ઓરેન્જ એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફશોર ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગાંધીનગર અને અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

વરસાદ વરસતા ડાંગ જીલ્લાની સુંદરતામાં વધારો થયો છે. સાપુતારા, ગીરા-ધોધ, ડોન હિલ સ્ટેશન સહિત અન્ય પ્રવાસન સ્થળોએ શનિ-રવિની રજામાં અસંખ્ય પ્રવાસીઓ કુદરતનો સુંદર નજારો માણવા ઉમટી પડ્યા છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં પાણીની આવક થઇ છે.. સાથે જ ઝરણાઓ અને ચેકડેમો નવા નીર થી છલકાઈ રહ્યા છે. વઘઇ ખાતે આવેલ સીઝનલ ગીરા ધોધમાં નવા નીરની આવક થતા તેના અસલ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે જેનો પ્રવાસીઓએ, આનંદ માણ્યો હતો.

વલસાડ જિલ્લામાં સતત ચાર દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે. તેમજ જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડુંગરાળ વિસ્તારોમાં હરિયાળી ચાદર છવાઈ ગઇ છે.. ધરમપુર અને કપરાડા તાલુકામાં ઠેર ઠેર લીલી વનરાજી જોવા મળી રહી છે. પંથકના અલગ અલગ વિસ્તારોમાં,, ઝરણાં સક્રિય થઈ ગયાં છે.. તેમજ ધરમપુરના વિલ્સન હિલ નજીક આવેલો શંકર ધોધ,, સક્રિય થતાં આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે.. ચોમાસાની ઋતુમાં શંકર ધોધ સહિતના ધોધ ઉપરથી વહેતા પાણીનો અદભુત નજારો જોવા દૂરદૂરથી સહેલાણીઓ આવતા હોય છે,, અને મજા માણતા હોય છે.

(Photo-File)