દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા, માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી
અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. શનિવારે સવારે 6 વાગ્યથી રાતના 10 વાગ્યા સુધીમાં 114 તાલુકામાં હળવા ઝાપટાંથી લઈને ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અતિભારે વરસાદ અને બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે, માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં ફરીવાર વરસાદી મોહોલ સર્જાયો છે. શનિવારે રાજ્યના 114 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. જેમાં ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ત્રણ ઈંચ, અનરેલીના ધારી, બોટાદના ગઢડા, જામનગરના કાલાવાડ વગેરે તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. દરમિયાન આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યમાં શનિવારે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યમાં 177 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ, નવસારીના જલાલપોરમાં 5 ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં સાડાચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. એ ઉપરાંત ગઢડા, કપડવંજ, જૂનાગઢ, પલસાણા, તલાલા, સાવરકુંડલા, નવસારી, મહુઆમાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલુ છે તેમ રાહત કમિશનર પી.સ્વરૂપે જણાવ્યું હતું. રાહત કમિશનર પી.સ્વરૂપની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી.
રાજ્યમાં સરદાર સરોવર જળાશયમાં 265148 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 79.37 ટકા છે. જ્યારે રાજ્યનાં 206 જળાશયમાં 344399 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 61.70% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –57, એલર્ટ ૫ર કુલ-10 તેમજ વોર્નિંગ ૫ર કુલ -16 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે,