અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી સાત દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 52 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો હોવાનું જાણવા મળે છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં તા, 19 અને 20મી જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાની શકયતા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. ઇસ્ટ વેસ્ટ ટ્રફ ના કારણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને પણ સાબદુ રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, બંગાળના ઉપ-સાગરમાં બે વરસાદી સિસ્ટમ ઉભી થતાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 52.34 ટકા થયો હતો. રાજ્યમાં ઝોન પ્રમાણે વાત કરીએ તો ક્ચ્છમાં 112 ટકા, ઉત્તર ગુજરાતમાં 51 ટકા, દક્ષિણ ગુજરાતમાં 43 ટકા, સૌરાષ્ટ્રમાં 69 ટકા અને મધ્ય ગુજરાતમાં 41 ટકા વરસાદ થયો હતો. દરમિયાન ગુજરાતમાં 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વડોદરાના ડભોઇમાં, દાહોદ અને લીમખેડા તેમજ છોટા ઉદેપુરના સંખેડામાં 2.5 ઇંચ જેટલા વરસાદ થયો હતો. જ્યારે અમદાવાદના ધોલેરા, પંચમહાલના જાબુંઘોડા, કઠલાલ, ગરબાડા, વાગરા અને બોડેલીમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.