અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે, અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે રાજ્યના 186 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ત્યારે આજે શુક્રવારે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, અરવલ્લી, રાજકોટ, જામનગર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદની આગાહી છે. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં એક સાથે 2 લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આજે 12મીને શુક્રવારે ભારે વરસાદ પડવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચ્યું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર એક નવી લો-પ્રેશર સિસ્ટમ બની છે. સંભાવના છે કે, આગામી 48 કલાકમાં આ લો-પ્રેશર પશ્ચિમ તરફ આગળ વધશે. આ બંને સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં 12 ઓગસ્ટે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે તેમજ મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે 13 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેને લઈ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.