ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાયો, મકાનોના પતરા ઉડ્યાં,
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતા જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે મંગળવારે સવારથી જ કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો. ગાંધીનગર, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લા સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તોફાની પવન ફુંકાયો હતો. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં વરસાદના ઝાંપટાં પડ્યા હતા. ભારે પવનને લીધે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી હતી. પાટણમાં અનેક ઘરોના પતરાંઓ ઉડ્યા હતા. જ્યારે ગાંધીનગરમાં ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજને અસર થઈ હતી. વિધાનસભાના ગુંબજનું પતરુ ભારે પવનના કારણે ખુલી ગયુ હતું. પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલી ગયેલો જોવા મળ્યો હતો.
બનાસકાંઠામાં ત્રીજા દિવસે પણ હવામાન વિભાગની આગાહીને પગલે કમોસમી વરસાદની બેટિંગ યથાવત રહી હતી. ભારે પવન સાથે જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ નુકસાન પણ થયું છે. હજુ પણ બે દિવસ ભારે પવન અને વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરતા કરતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. સોમવારે સાંજના સમયે સરહદી વિસ્તાર સુઈગામ પંથકમાં ભારે પવન સાથે કરા સાથે વરસાદ થયો હતો.
ગુજરાત ફરતે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં રવિવાર સાંજે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સોમવારે પણ કમોસમી વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. જ્યારે આજે મંગળવારે વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગર સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. સવારના 10 વાગ્યા પછી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
પાટણ જિલ્લમાં હવામાન વિભાગની અગાહીને પગલે મંગળવારે સવાર 10 વાગ્યાથી જોરદાર પવન ફૂંકાયો હતો. જેના કારણે અનેક મકાનોના પતરાં ઉડ્યા હતા અને ચાની કિટલી અને હોટેલની ખુરસીઓ ઉડી હતી. તો ધારપુર મેડિકલ કોલેજના સેડના પતરા ઉડતા ભયનો માહોલ છવાયો હતો. બીજી તરફ ભારે પવન સાથે વરસાદ ઝાપટા પડતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ અણધારી આફતના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોચ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં પવનના સૂસવાટા વચ્ચે જોરદાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રણમાં મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સીઝનમાં જોરદાર વાવાઝોડાથી અગરિયા સમુદાય મુસીબતમાં મુકાયો છે. પાટડી અને ધ્રાંગધ્રા રણ વિસ્તારમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ સૂસવાટા મારતા પવન સાથે જોરદાર વાવાઝોડું ત્રાટક્યું હતુ. જેમાં રણમાંથી મીઠું ખેંચવાની અંતિમ તબક્કાની સીઝનમાં અચાનક ત્રાટકેલા વાવાઝોડાથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા હતા.