નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં હેલીકોપ્ટર ક્રેશની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું છે. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ દૂર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસે તપાસ આરંભી છે. એક હોટલની છત સાથે હેલિકોપ્ટર અથડાયા બાદ ક્રેશ થયું હતું.
ઓસ્ટ્રેલિયાના ફાર નોર્થ ક્વીન્સલેન્ડમાં સોમવારે એક હોટલની છત સાથે અથડાયા બાદ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, આ અકસ્માતમાં એક પાયલોટનું મોત અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ મૃતક પાયલટની ઉંમર 40 વર્ષ હતી. તેમજ એક 83 વર્ષીય પુરુષ અને 76 વર્ષીય મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે કેર્ન્સ એસ્પ્લેનેડ પર હિલ્ટન દ્વારા ડબલ ટ્રીની આસપાસ કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દુર્ઘટના બાદ લગભગ 400 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હોટલની છત પર આગ દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હેલિકોપ્ટરના બે પ્રોપેલર તૂટી ગયા, જેમાંથી એક હોટલના પૂલમાં પડી ગયો.