અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી શરૂ કરાયેલી સી-પ્લેન સેવા મહિનાઓથી બંધ છે. મેઇન્ટેનન્સ માટે 9 એપ્રિલે માલદિવ્સ ગયેલું સી-પ્લેન હજી સુધી પરત આવ્યું નથી. બીજી તરફ, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં જ ગુજરાત સરકાર દ્વારા લોકો માટે એરએમ્બ્યુલન્સ, રિવરફ્રન્ટથી નર્મદાના કેવડિયા સુધીની સી-પ્લેન સુવિધા, યાત્રાધામો વચ્ચે હેલિકોપ્ટરની સુવિધા અને લોકોના આનંદ માટે હેલિકોપ્ટરની જોયરાઈડ્ઝ શરૂ કરવા માટેની તૈયારી કરી લેવાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પ્રવાસન વિભાગ અને સિવિલ એવિએશન વિભાગ એકબીજા સાથે મળીને તૈયારીઓ કરી રહ્યા છે, જે અંતિમ તબક્કામાં છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના મતે, આ તમામ પ્રક્રિયા માટે એરપોટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકારની અન્ય એજન્સીઓ પાસેથી મંજૂરી મેળવાઈ છે. આ તમામ આકર્ષણો જાન્યુઆરીમાં શરૂ થનારી વાઈબ્રન્ટ સમિટ પહેલાં શરૂ કરાશે. વર્ષ 2019માં રાજ્ય સરકારે 191 કરોડની કિંમતે બોમ્બાર્ડિઅર ચેલેન્જર 650 એરક્રાફ્ટની ખરીદી કરેલી છે. આ પહેલાં 20 વર્ષ સુધી બીચક્રાફ્ટ સુપરકિંગ વિમાન મહાનુભાવોની સુવિધામાં કાર્યરત હતા. હવે આ વિમાનોને હવે એરએમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરાશે. આ માટેની તમામ મંજૂરીઓ મેળવી લેવાઈ છે.
ગુજરાતના પવિત્ર યાત્રાધામ જેવાં કે દ્વારકા, સોમનાથ અને અંબાજીમાં હેલિપોર્ટ બનાવવાની યોજના પછી રાજ્ય સરકાર બંધ થયેલું સી-પ્લેન ફરીથી શરૂ કરવાનું પ્લાનિંગ બનાવી રહી છે. આ સર્વિસ કોરોના સંક્રમણના કારણે તેમજ સી-પ્લેન મરામત માટે મોકલવામાં આવ્યું હોવાથી બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની જતા આ સી-પ્લેનની સર્વિસ ફરી શરૂ કરવા માટે રાજ્યના સિવિલ એવિયેશન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે અમે યાત્રાધામોમાં પ્રવાસીઓની સુવિધા માટે હેલિપોર્ટ બનાવી રહ્યા છીએ, જ્યારે અમદાવાદના રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે સી-પ્લેન ફરીથી શરૂ કરવા જઇ રહ્યા છીએ. (file photo)