અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના હેલિપેડથી ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે. તા.27મી ડિસેમ્બરથી હેલિકોપ્ટર સેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. યાત્રાધામોના પ્રવાસ માટેના હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદથી અંબાજી હેલિકોપ્ટર દ્વારા 40 મીનીટમાં પહોંચી શકાશે. તમામ યાત્રાધામ માટેનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદથી રાજ્યના જાણીતા યાત્રાધામ પહોંચવા માટે હેલિકોપ્ટરની સેવા આગામી તા. 27મી ડિસેમ્બરથી શરૂ કરાશે. અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે. 27 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે. હેલિકોપ્ટર માટેનું બુકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરની સેવા જોય રાઈડ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી ધોરડો, અંબાજી, અમદાવાદથી શ્રીનાથજી, અમદાવાદથી પાલીતાણા, અમદાવાદથી સાળંગપુર, અમદાવાદથી સોમનાથ, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી વડનગર અને અમદાવાદથી નડાબેટની હેલિકોપ્ટર સેવા મળશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજ્યના યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા લેવી હોય તો તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે. https://dhordo-joyride.aerotrans.in અથવા at www.aerotrans.in વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકાશે. આ હેલિકોપ્ટર અમદાવાદના રિવરફ્રંટ પર બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળશે.
અત્રે ઉલ્લેખનીય છે. કે ખાનગી કંપની દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટથી હેલિકોપ્ટરની જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. જેમાં હેલિકોપ્ટરની 10 મીનીટની રાઈડ માટે પ્રતિ પ્રવાસી રૂપિયા 2478 ટિકિટના દર છેય જ્યારે ઘોરડામાં પણ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં ટિકિટના દર રૂપિયા 5900 નક્કી કરવામાં આવ્યા છે. ઘોરડોના સફેદ રણનો નજારો માણવાની રાઈડ ફક્ત 8 મીનીટની છે. હવે યાત્રાધામોમાં જવા માટેની રાઈડ શરૂ કરવામાં આવશે.