Site icon Revoi.in

ગુજરાતના યાત્રાધામ સોમનાથ, દ્વારકા, ગીર, અંબાજી સહિત સાત સ્થળોએ હેલીપોર્ટ બનાવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોનો વિકાસ થતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યનાં ઉડ્ડયન મંત્રાલય દ્વારા સાત સ્થળોએ હેલીપોર્ટ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ,સોમનાથ, સાપુતારા, અંબાજી, દ્વારકા, ગીર તથા હેરીટેજની યાદીમાં સ્થાન મળેલા વડનગરનો પણ સમાવેશ કરાયો છે.

ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા ઉપરાંત કોઇ આફત કે મેડીકલ ઇમરજન્સી વખતે ઉપયોગમાં લઇ શકાય તેવા ત્રિવિધ ઉદેશ સાથે હેલીપોર્ટનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત કેટલાંક વખતથી પ્રવાસન રાજ્ય તરીકે વિકસી રહ્યું  છે અને નવી એરસ્ટ્રીપ તથા હેલીપેડ બનાવવામાં આવી જ રહ્યા છે. હેલીપેડ બનાવવા માટે અનેક ટેકનીકલ પ્રક્રિયા કરવા ઉપરાંત કલેક્ટર, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશન, અને પોલીસની મંજુરી લેવી પડે છે. હેલીપેડ પરથી માત્ર એક હેલિકોપ્ટરની ઉડાન શક્ય છે જ્યારે હેલીપોર્ટ પરથી 4-5 હેલિકોપ્ટરની સુવિધા મળી શકે છે.

ઉડ્ડયન વિભાગના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, હેલીપોર્ટ મીની એરપોર્ટ જ ગણી શકાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાનુ ટર્મીનલ બિલ્ડીંગ, સિક્યુરીટી ક્લીયરન્સ, મુસાફરો માટે વેઇટીંગ રુમ, એટીસી ટાવર, ઇંધણ પોઇન્ટ, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે સુવિધા રાખવી પડે છે. 8 થી 9 એકર જગ્યાની જરુર પડે છે. હેલીપોર્ટનું નિર્માણ બે વર્ષમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. એક હેલીપોર્ટ નિર્માણ પાછળ 3 થી 4 કરોડનો ખર્ચ થઇ શકે છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ તથા વડનગરમાં હેલીપોર્ટ બનાવાશે. આ માટેનાં ટેન્ડર પણ જારી કરી દેવામાં આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ નજીક હાંસોલ ખાતે તથા વડનગરમાં ગુંજા ખાતે હેલીપોર્ટનું નિર્માણ કરાશે. હેલીપોર્ટના ઉપયોગ માટે નોન-શિડ્યુલ ઓપરેટરને છુટ્ટ આપવામાં આવશે. ચાર્ટર્ડ તથા હેલીકોપ્ટર પાર્કિંગ થકી પણ સરકારને આવક થશે. નાગરિક ઉડ્ડયન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં હેલીપોર્ટના નિર્માણ માટે સરકારે પરવાનગી આપી દીધી છે.