Site icon Revoi.in

શિક્ષણના ક્ષેત્રમાં મદદ કે દાન કરો, તો મંદિર જવાની જરૂર નથી – ડૉ.મનીષ દોશી

Social Share

-વિનાયક બારોટ

અમદાવાદ: આજના સમયમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં એવા લોકો મળશે, જે પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા છે અને કામ કરી રહ્યા છે.. પણ આવા સમયમાં કેટલાક વ્યક્તિ એવા પણ છે જે નિસ્વાર્થભાવે લોકોની મદદ કરી રહ્યા છે અને શૈક્ષણિક રીતે વિદ્યાર્થીઓને સક્ષમ બનવામાં મદદ કરી રહ્યા છે..

તો વાત છે ડૉ.મનીષ દોશીની.. જે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા એટલે કે રાજકીય નેતા તરીકે તો જાણીતા છે જ પરંતુ એમના જીવનની એક બાજુ એવી પણ છે જે દરેક લોકો માટે પ્રેરણાદાયક બની શકે તેવી છે અને તેના વિષે તેમની સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો.

ડૉ. મનીષ દોશીનું જીવન સાદગીભર્યુ અને શિક્ષણને સમર્પિત રહ્યું છે અને તેમાના જીવનમાં તેઓએ બે દાયકા કરતા વધારે સમયથી વિદ્યાર્થીઓને અલગ અલગ રીતે મદદ કરી છે. મહત્વનું છે કે તેઓએ આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓને મદદ કરવાની ઈચ્છા દર્શાવી છે અને ડૉ. મનીષ દોશી પોતે માને છે કે વિદ્યાર્થીઓ જેટલું વધારે ભણે અને શિક્ષણનું સ્તર જેટલું વધારે સુધરે એટલું સારું.

મનીષ દોશીના જીવનમાં શિક્ષકોની ભૂમિકા

શિક્ષકની ભૂમિકા તમામ વિદ્યાર્થી કે બાળકના જીવનમાં ખૂબ મહત્વની હોય છે અને ચાણક્યએ કહ્યું છે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા – ક્યુંકી પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ” આ વાક્યને મનીષ દોશીના જીવન નિર્માણ સાથે જોડી શકાય તેમ છે. મનીષ દોશીના જીવનમાં પણ શિક્ષકની ભૂમિકા મહત્વની રહી અને ઉલ્લેખનીય વાત તે છે કે તેમના માતા-પિતા પણ શિક્ષક હતા અને પિતાશ્રી શિક્ષક બાદ આચાર્ય પણ હતા જે તેમના માટે ગર્વની વાત છે.

મનીષ દોશીએ જણાવ્યું કે તેઓ જ્યારે સુરેન્દ્રનગરના માથક ગામની પ્રાથમિક શાળામાં ભણતા હતા અને ત્યાં શિક્ષકો ખૂબ સરસ રીતે ભણાવતા અને ઉત્તમ શિક્ષણ મળતું હતુ અને તેના કારણે તેમને ગણિત અને વિજ્ઞાનમાં રસ પડ્યો અને તેઓ આગળ જતા વિજ્ઞાનપ્રવાહમાં જોડાયા.

શાળાને ઘર સમજવું અને શાળામાં શીખેલી વાતો

મનીષ દોશીએ શાળામાં ભણતા સમયે કેટલીક મહત્વની વાતો શીખી હતી, જે તેમને આજે મદદરૂપ બની રહી છે. મનીષ દોશીએ કહ્યું કે તેઓ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે શાળાને જ પોતાનું ઘર સમજતા હતા અને શાળાના નીતિ નિયમો એટલા કડક હતા કે જ્યાં કોઈ ઊંચ નીચ કે ભેદભાવ હતો નહી, એટલે કે શાળા સફાઈની કામગીરી હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓ શાળાને પોતાનું ઘર સમજીને જ સાફ-સફાઈ કરતા હતા.

મનીષ દોશીએ તે પણ જણાવ્યું કે તેમની શાળામાં વિદ્યાર્થીઓને ફૂલછાબ સમાચારપત્રમાંથી સારી સારી વાતો વંચાવવામાં આવતી હતી જેમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને તે આજે કામ આવી રહ્યું છે. જો કે આ સમયે તેમને આ કામ કરવાનો એટલે કે વાંચવાનો કંટાળો આવતો હતો પણ તેઓએ આ કામ કર્યું અને ઘણું બધું શીખ્યા. ડૉ.મનીષ દોશીએ કહ્યું કે તેમની સ્કૂલમાં દેશ વિદેશ સ્તર પર થયેલા વિજ્ઞાની શોધ વિશે વાંચવામાં આવતું હતુ અને આનાથી વિદ્યાર્થીનો વ્યક્તિગત ઉત્સાહ વધતો હતો જે આજે પણ કામ આવે છે.

ઉચ્ચ વિચારધારાથી લાવ્યો શાળામાં બદલાવ

ડૉ. મનીષ દોશી પહેલેથી જ લીડર તરીકે આગળ રહ્યા છે અને આ બાબતે તેમણે પોતાના જીવનનો એક જૂનો પ્રસંગ યાદ કરતા જણાવ્યું કે તેઓએ વર્ષ 1984માં શાળામાં હડતાળ પાડી હતી અને ત્યારે એક વિદ્યાર્થીએ શાળાની બારીનો કાચ તોડ્યો હતો, આ બાબતે તેમને ખોટી લાગી અને શાળામાં નવો કાચ નખાવવાનું નક્કી કર્યું.. આ બાદ તેમણે તમામ વિદ્યાર્થીઓને સમજાવ્યા અને તમામ વિદ્યાર્થીઓ પાસેથી શક્ય એટલી મદદ માગીને શાળાની બારીમાં નવો કાચ નખાવ્યો.

ડૉ. મનીષ દોશીની આ વાતની શાળાના શિક્ષકોએ પણ નોંધ લીધી અને તે બાદ શાળામાં એક ફરિયાદ બોક્સ બનાવવામાં આવ્યું અને તેમાં ફરિયાદની ચીઠ્ઠી નાખવાનું કહેવામાં આવ્યું જો કે તે બાદ શાળાની કામગીરીમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો.

તે સમયથી લઈને અને આજે પણ ડૉ. મનીષ દોશી માને છે કે સંસ્થાને કે જાહેર વસ્તુને નુક્સાન ન થવું જોઈએ અને તે કોઈ પણ ભોગે ચાલે નહી. જો કે ડૉ. મનીષ દોશીએ કહ્યું કે જો તેમની હાજરીમાં કોઈ જાહેર મિલકતને નુક્સાન કે હિંસા કરે તો તેઓ તરત જ આંદોલનમુક્ત થઈ જાય છે અને આંદોલનમાંથી પોતાનું નામ હટાવી દે છે.

સમગ્ર રાજ્યમાં પ્રથમ આવવા પર પિતાશ્રી તરફથી મળી શાબાસી

ડૉ. મનીષ દોશી આમતો પહેલેથી જ ભણવામાં હોશિયાર હતા, રાજકોટમાં ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરી રહ્યા હતા ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યા હતા ત્યારે તેમના પિતાશ્રીએ તેમને શાબાસી આપી હતી જે તેમના માટે યાદગાર પળ હતી. મનીષ દોશીએ કહ્યું કે તે સમયે તેમના પિતાશ્રીએ પ્રથમવાર કહ્યું હતું કે “તમે સારું ભણ્યા અને તમે મને ગૌરવ અપાવ્યું છે.”

ડૉ. મનીષ દોશીએ તે પણ કહ્યું કે તેમના પરીવારમાં બધા જ સદસ્યો ખૂબ વધારે ભણેલા છે અને તેથી તેમને પણ વધારે ભણવું જરૂરી લાગ્યું. ડૉ. મનીષ દોશી ડિપ્લોમામાં તમામ વિષયમાં પહેલા નંબરે આવ્યા હતા તેના કારણે તેમને રાજ્યની શ્રેષ્ઠ એલ.ડી એન્જિનિયરીંગ કોલેજમાં સીધો બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો હતો. જો કે ડૉ. મનીષ દોશીએ ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડમાં 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ડૉ. મનીષ દોશીએ એન્જિયરિંગમાં સર્વોચ્ચ શિક્ષણ એટલે કે એન્જિનિયરીંગમાં PhDની ડિગ્રી પણ મેળવી છે. મહત્વની વાત તે છે તેઓએ પત્રકારિતાની ડિગ્રી પણ મેળવી છે અને તેમાં પણ પ્રથમ નંબરે આવ્યા હતા.

કાયદો અને વ્યવસ્થાના સન્માન વિષે ડૉ. મનીષ દોશીનું મંતવ્ય

ડૉ. મનીષ દોશી શાળા તથા બોર્ડિંગમાં પહેલેથી જ લીડર તરીકે કામ કરતા હતા અને તેઓ પહેલેથી જ માને છે કે આગળ વધવું હોય તો કાયદા અને વ્યવસ્થાનું સન્માન કરીને જ આગળ વધી શકાય. ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે જો કાંઈપણ ખોટું થાય તો તેઓ હંમેશા સત્યનો સાથ આપે છે અને જો ક્યાંક વિદ્યાર્થીઓનો વાંક હોય તો તેને ભૂલ તરીકે સ્વીકાર પણ કરે છે. અન્યાય પર તેઓ સ્પષ્ટ પણે કહે છે કે શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ.

જ્ઞાતિની બોર્ડિંગમાં શીખ્યા – કપડા મેલાં ન થાય તેનું ધ્યાન રાખવું

ડૉ. મનીષ દોશી જ્યારે જ્ઞાતિની બોર્ડિંગમાં રહેતા હતા ત્યારે તેમને ખૂબ મહત્વની વાત ખબર પડી અને તે છે કપડા મેલા ન થાય તેનું ધ્યાન રાખવું.. ડૉ. મનીષ દોશીએ આ બાબતે કહ્યું કે જ્ઞાતિની બોર્ડિંગમાં તો બધુ જાતે કરવું પડતું અને કપડા પણ જાતે ધોવા પડતા હતા જેના કારણે અમે કપડા મેલાં ન થાય તેનું ખૂબ ધ્યાન રાખતા હતા અને તેનો પણ ફાયદો આજે થઈ રહ્યો છે. અમે આ બાબતને પોતાના જીવનનું ઘડતર, કેળવણી અને જીવનશૈલી સમજીને શીખ્યા છે અને આ ક્ષણો ડૉ. મનીષ દોશીના જીવનની આ યાદગાર ક્ષણ હતી.

નેતૃત્વ પર ડૉ. મનીષ દોશીનો અભિપ્રાય

ડૉ. મનીષ દોશીએ પોતાના જીવન કાર્યકાળમાં અનેકવાર નેતૃત્વ કર્યું છે અને નેતૃત્વ વિશે જણાવ્યું કે નેતૃત્વ એવુ હોવું જોઈએ કે જે પોતે કાયદાનું પાલન કરે અને લોકોને પણ પાલન કરાવે. લીડરનો મતલબ તોડફોડ અને ખોટી નેતાગીરી કરે એવો ન થાય.

ખાનગીકરણ અને વેપારીકરણ મુદ્દે ડૉ. મનીષ દોશીનું મંતવ્ય

છેલ્લા કેટલાક સમયમાં આપણને એવું જોવા મળ્યું છે કે એન્જિનિયરીંગ કોલેજો અને મેનેજમેન્ટ શાખાઓની કોલેજોની સીટો ખાલી રહે છે અને વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ લેતા નથી. તો આ બાબતે તેનું કારણ ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી શિક્ષણના વેપારીકરણના વિરોધમાં છે અને તેની સામે લડી રહ્યા છે. આ બાબતે તેઓએ વધારે સ્પષ્ટ કરતા જણાવ્યું કે તેઓને શિક્ષણના ખાનગીકરણથી કોઈ વાંધો નથી પણ જે રીતે શિક્ષણને વેપાર બનાવી દેવામાં આવ્યો છે તે વેપારીકરણના વિરોધમાં છે. તેઓએ શિક્ષણના શુદ્ધિકરણના યજ્ઞને જીવનનો મુખ્ય ઉદેશ્ય બનાવ્યો છે.

ડૉ. મનીષ દોશીએ એજ્યુકેશનમાં સુધારો લાવવા માટે ખૂબ સરાહનીય કામ કર્યું છે જે તમામ લોકોની નજર સામે છે. ડૉ. મનીષ દોશીએ મહેનત કરતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તે માટે ડમી સ્કેમનો ખુલાસો પણ કર્યો હતો જેનાથી અસંખ્ય મહેનત કરનારા વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો. આ ઉપરાંત અસંખ્ય વિદ્યાર્થીઓ પાસેથી મોટા પ્રમાણમાં ઉઘરાવવામાં આવેલી ફી વિદ્યાર્થીઓને પરત અપાવી અને આવા અનેક કામમો કર્યાં છે જે શિક્ષણને સમર્પિત છે.

નિષ્ઠાપૂર્વક કામ કરવાથી મળી મોટી જવાબદારી

આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જવાબદારી તેને મળે જે તેને સંભાળી શકે, તો આ વાત પણ ડૉ. મનીષ દોશી પર લાગું પડે છે. કારણ એ છે કે તેમના કામ અને તેમની શિક્ષણ પ્રત્યેની નિષ્ઠાના કારણે મહામહિમ રાજ્યપાલશ્રી દ્વારા રાજ્યની જુદીજુદી ત્રણ યુનિવર્સિટીના કુલપતિ પસંદગી કમિટીના ચેરમેન અને સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી. એક સામાન્ય ઘરમાંથી આવેલા વ્યક્તિ પોતાની સખત મહેનત અને કામ પ્રત્યેની નિષ્ઠાથી સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી શકે છે એ ડૉ. મનીષ દોશીએ સાબિત કરી બતાવ્યું છે. તે ગુજરાત યુનિવર્સિટીમાં સિંડીકેટ મેમ્બર પણ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે અને છેલ્લા 15 વર્ષથી ગુજરાત અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તરીકે કામ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓને મદદ કરવાની પ્રેરણા અને ઉત્સાહ

ડૉ. મનીષ દોશીને જીવનમાં પહેલીવાર પ્રેરણા ત્યારે મળી કે જ્યારે ભાવનગરની વિકાસ વર્તૂળ સંસ્થા તેમની નજરે આવી. ભાવનગરની આ સંસ્થા વિદ્યાર્થીઓને મદદ જોઈને ડૉ. મનીષ દોશીને લાગ્યું કે આ તો સરસ સેવા છે અને આ મારે પણ કરવી જોઈએ. આ પછી તેઓએ વિદ્યાર્થીઓને જરૂરી અને શક્ય એટલી મદદ મળી રહે તે માટે કામ કરવાનું શરૂ કર્યું. આજે ડૉ. મનીષ દોશી પાસે અસંખ્ય વિદ્યાર્થીઓને તેમના માતા પિતા ભણવાના વિષય પર જાણકારી લેવા આવે છે.

મનીષ દોશીએ કહ્યું કે જ્યારે કોઈ અન્ય વ્યક્તિએ મારું એન્જિનિયરીંગનું ફોર્મ ભરીને મને પ્રેરીત કર્યો તેમ મારે પણ અન્ય વિદ્યાર્થીઓ માટે મદદરૂપ થવું જોઈએ.. તે માટે તેમણે કારકર્દીના ઉંબરે નામનું પુસ્તક બહાર પાડવાનું નક્કી કર્યું જેને મોટી સંખ્યામાં લોકોનો આવકારો મળ્યો.

મહત્વની વાત તો એ છે કે કોરોનાવાયરસ જેવા સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે તેઓ પાછા પડ્યા નથી અને આ વખતે દોઢ લાખથી વધારે લોકોને વોટ્સએપના માધ્યમથી કારકર્દીના ઉંબરેની બુક મોકલવામાં આવી છે.

સફળતા પાછળનું કારણ

ડૉ. મનીષ દોશી પોતાની સફળતા પાછળનું કારણ તેમનું લખાણ બતાવે છે અને તેના વિશે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે તેઓ કોઈ પણ વાતને સાદગી અને સરળતાથી લખી શકે છે અને નાનામાં નાની અરજી લખે તો પણ તેને મુદ્દા આધારીત લખે છે. આ કરવાથી તેમને પરીક્ષામાં પણ ફાયદો થતો હતો અને તેમના લખેલા પરીક્ષાના પેપર ટીચર અન્ય વિદ્યાર્થીઓને પણ બતાવવામાં આવતા હતા જેથી અન્ય વિદ્યાર્થીઓ પણ લખવાનું શીખી શકે.

વિદ્યાર્થીઓને મદદ કરવા પાછળનું કારણ

ડૉ. મનીષ દોશીના જીવનના જોઈને લાગે છે કે જો તેઓ ઈચ્છેત તો તેઓ પોતાનું ભવિષ્ય કોઈ પ્રોફેસર કે અન્ય કામ કરીને પણ વિતાવી શકતા હતા.. પરંતુ તેઓ માને છે કે તેમને જે રીતે સારું શિક્ષણ મળ્યું, તે અન્ય વિદ્યાર્થીઓને પણ મળવું જોઈએ. ડૉ. મનીષ દોશી તે હંમેશા જોતા રહે છે કે ટેક્નિકલ શિક્ષણમાં કેવી રીતે સુધારા આવી શકે, કઈ રીતે અભ્યાસ બદલાય, કઈ રીતે નોકરીઓની તક ઉભી થાય, કઈ રીતે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વાર્તાલાપ વધી શકે. ડૉ. મનીષ દોશીએ પોતાનું સંપુર્ણ જીવન શિક્ષણને સમર્પિત કર્યું છે.

શિક્ષણને લઈને ડૉ. મનીષ દોશીના વિચાર

ડૉ. મનીષ દોશીનું કહેવું છે કે શિક્ષણએ 3A અને 3E પર આધારીત છે.. જેમાં 3A એટલે કે Accessible જે સૌને મળે તેવું, Accountable જે જવાબદેહી હોય અને Adoptable જેને આસાનીથી સમજી અને ભણી શકાય. તેઓ માને છે કે સમાજમાં સારા પત્રકાર, લેખક, અરજી લખનારની પણ જરૂર છે તો તમામ વિદ્યાર્થીઓને એક જ દિશામાં ન ધકેલાય.. વિદ્યાર્થીઓને સ્કિલ અને સ્કેલનો ફર્ક સમજાવવો અત્યંત જરૂરી છે, તો તેઓ ખૂબ આગળ નીકળી શકે.

3E મુદ્દે પણ જણાવ્યું જેમાં Establishment એટલે કે સારી સંસ્થા સ્થપાય તેનું Expansion એટલે કે તેનો વ્યાપ વધે અને Excellence પણ વધે તે જરૂરી છે જેથી શિક્ષણનો વિકાસ થાય.

શિક્ષણ સિવાય ટ્રાફિક, પર્યાવરણ અને આરોગ્ય પર પણ વિચાર

ડૉ. મનીષ દોશી માને છે કે આગામી સમયમાં ટ્રાફિક પણ મોટી સમસ્યા બનીની ઉભો રહેશે ત્યારે વધારે તક્લીફ પડશે અને તેના માટે પણ અત્યારે વિચારવું જરૂરી છે. મનીષ દોશી માટે શિક્ષણ બાદ આરોગ્ય, ટ્રાફિક અને પર્યાવરણ પણ તેમના ગમતા વિષય છે અને તે હાલમાં આ વિષય પર પણ કામ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ માટે જીવન સંદેશ

ડૉ. મનીષ દોશી કહ્યું કે આજકાલના સમયના વિદ્યાર્થીઓમાં સારી એવી પ્રતિભા છે અને એનર્જી છે, અને જો તેમને સાચું માર્ગદર્શન કરવામાં આવે તો તે લોકો ખૂબ આગળ વધી શકે છે. આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ છે જે પોતાના મિત્રોના ભણતર અને તેમની સાથે હોડમાં ઉતરીની કોઈ પણ વિષય ભણવા માટે પ્રવેશ મેળવી લેતા હોય છે જે ન થવું જોઈએ.

તેમના મતે ભગવાને તમામ માણસને એક અલગ કામ માટે મોકલ્યો છે તો કોઈનામાંથી પ્રેરણા લેવી સારી છે પરંતુ જોયા જાણ્યા વગર કોઈ વિષય ભણવા કૂદી ન પડવું.

વિદ્યાર્થીઓ માટે તે પણ કહ્યું કે માતા-પિતાથી કોઈ વાતને છુપાવવી નહી. તમામ વિદ્યાર્થીઓ સરળતાથી જીવો, સાદગીથી રહો, વિદ્યાર્થીનો એક જ નિયમ હોવો જોઈએ.. તે છે ભણવાનો.. ડૉ. મનીષ દોશી માને છે કે ફૂટબોલ રમતી વખતે ગણિતનું ન વિચારો અને ગણિત ભણતા સમયે ફૂટબોલ ન વિચારો અને આવું કરશો તો જીવનમાં ક્યાંય મુશ્કેલીનો સામનો કરવો પડશે નહી.

પાર્કિંગમાં બેસી રહેતા વિદ્યાર્થીઓ માટે પણ એક સંદેશ આપ્યો છે જેમાં કહ્યું કે આજે પાર્કિંગમાં બેસી રહેશો તો આગળના જીવનમાં પણ પાર્કિગમાં બેસી રહેશો અને જો.. અત્યારે વર્ગખંડમાં ભણી લેશો તો તમારી કાર પાર્કિંગમાં હશે તો હવે નિર્ણય વિદ્યાર્થીનો રહેશે..

સામ પિત્રોડા સાથે કામ કર્યું અને તેમની પાસેથી મેળવેલી શીખ

ડૉ. મનીષ દોશી પોતાની દરેક વાતને વિનમ્રતા અને મક્કમતાથી રજૂ કરે છે અને તેનાથી તેઓ ઘણું બધું શીખ્યા.. પણ તેઓએ પોતાના જીવનમાં ટેકનોલોજી સલાહકાર સામ પિત્રોડા સાથે નેશનલ નોલેજ કમિશનમાં કામ કર્યું અને સતત પ્રયોગો કરવા, વાંચન કરવું અને નવી વસ્તુઓ શીખવાની પ્રેરણા લીધી.

દિકરીઓના શિક્ષણ વિશે ડૉ. મનીષ દોશીનો મહત્વનો અભિપ્રાય

ડૉ. મનીષ દોશીએ દિકરીઓના શિક્ષણને લઈને મહત્વની વાત કરી છે જેને વાંચીને તમારું મન પણ ખુશ થઈ જશે. તેમણે કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે જો દાન કરો તો મંદિરમાં દાન કરવાની જરૂર નથી, તેનું કારણ છે કે બાળકોને ભણાવશો તો સરસ્વતી મા ખુશ જ થશે.

ડૉ. મનીષ દોશીએ આ બાબતે વધારે ઉમેરતા કહ્યું કે તેઓ તેમના સમાજના લોકોને કહે છે કે 56 ભોગ શ્રીનાથજીની ભગવાનને ધરાવો તેના કરતા 56 દિકરીઓને ભણાવો તો શ્રીનાથજી વધારે ખુશ થશે. આ સિવાય ડૉ. મનીષ દોશી ઈટ્ટોના ભઠ્ઠાના માલિકોને પણ ગામમાં વર્ગખંડ બનાવવા માટેની સલાહ આપે છે જેથી રાજ્યમાં શિક્ષણનું સ્તર વધારે ઉંચુ આવી શકે.

રિયલ વોઈસ ઑફ ઈન્ડિયાના માધ્યમથી અમે તે પણ જણાવવામાં માગીશું કે માત્ર ટીવી કે મોટા પડદા પર આવનારા લોકો જ માત્ર હીરો નથી હોતા પણ સમાજમાં આવા હીરો પણ છે જે પોતે નિસ્વાર્થ ભાવે અસંખ્ય લોકોની મદદ કરી રહ્યા છે અને તેમના કારણે અસંખ્ય લોકોના જીવનમાં પ્રગતિ પણ થાય છે.

આ પણ વાંચો……

https://www.revoi.in/follow-your-passion-and-it-will-help-you-to-be-a-successful-person/