મહેસાણામાં વિવિધ પ્રકારની હિંસાથી પીડિત 800 થી વધુ સ્ત્રીઓને સહાય કરાઈ
અમદાવાદઃ ભારત સરકાર દ્વારા પુરષ્કૃત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં સખી વન સ્ટોપ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવેલી છે. સરકારની આ યોજનાએ સમાજમાં નારી શક્તિને સન્માન ભેર જીવવાની પ્રેરણા પુરી પાડી રહી છે. મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા શરૂઆત થી લઈ અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની હિંસા થી પીડિત 800 થી વધુ સ્ત્રીઓને કાયદાકીય સહાય, કાઉન્સેલિંગ, પોલીસ સહાય, આરોગ્ય સહાય, આશ્રય, ભોજન અને કપડાં સહિતની સેવા આપવામાં આવી છે.
મહેસાણા સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત થતા સમાજ કે પરિવાર થી તરછોડાયેલ કે માર્ગ ભૂલી ભટકી પડેલ અને હિંસાનો ભોગ બનેલ સ્ત્રીઓને સેન્ટર પર આશરો આપવામાં આવ્યો છે. અનેક એવી પરપ્રાંતની મહિલાઓને તેમના પરિવારો સાથે મિલન કરાવવામાં આવ્યું છે. સેન્ટરના આવા સકારાત્મક કાર્યોને લઈ મહિલાઓનું શોષણ થવાના કિસ્સામાં ઘટાડો થયો છે. સેન્ટરને કારણે મહિલાઓને પોતાની સમસ્યા અને વેદનાઓ ઠાલવવા માટે એક હૂંફ આપતો ખોળો મળી રહેતા સરકારની આ યોજના લાભાર્થી સ્ત્રીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.