Site icon Revoi.in

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિ. સંલગ્ન 82 કોલેજોએ ઇન્ટરનલ માર્કસ જમા ન કરાવતા પરિણામ અટક્યું

Social Share

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 82 કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક સેમિસ્ટર 3 અને 5 ની પરીક્ષાઓ પૂર્ણ થયે એક માસ થયો હોવા છતાં કોલેજે વિદ્યાર્થીઓના ઇન્ટરનલ માર્કસ પરીક્ષા વિભાગમાં જમા ન કરાવતાં 10 હજાર વિદ્યાર્થીઓના પરિણામો અટકી પડ્યાં છે. કોલેજો તો ઠીક પરંતુ યુનિવર્સિટી.કેમ્પસમાં જ આવેલા  ચાર જેટલા  ડિપાર્ટમેન્ટે પણ ગુણ જમા કરાવ્યા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજોની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી શકાતું નથી. પરીક્ષા વિભાગ દ્વારા કોલેજોમાં લેવાયેલ સ્નાતક સેમ-3 અને 5ની ઇન્ટરનલ પરીક્ષા પૂર્ણ થયે એક માસ થયો હોવા છતાં 400 કોલેજો પૈકી 82 કોલેજોએ છાત્રોના માર્ક્સ પરીક્ષા વિભાગમાં જમા ન કરાવતાં પરિણામ બનાવવામાં વિલંબ થઈ રહ્યો હોય સત્વરે બાકી કોલેજોને ગુણ જમા કરાવવા સૂચનાઓ આપી છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે જણાવ્યું હતું કે યુનિ.સંલગ્ન 82 કોલેજના 10 હજાર જેટલા વિદ્યાર્થીઓના ગુણ કોલેજોમાંથી પરીક્ષા વિભાગમાં જમા થયા નથી જેના કારણે તેમના પરિણામો બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે જેથી સત્વરે કોલેજોને ગુણ જમા કરાવવા માટે યાદી જાહેર કરીને સૂચના અપાઇ છે. જો કોલેજો જમા ન કરાવે તો કુલપતિ સમક્ષ આ મુદ્દો મૂકી આ બાબતે કોઈ નિર્ણય લેવાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા 4 ડિપાર્ટમેન્ટ દ્વારા પણ છાત્રોનાં ગુણ જમા નહીં કરાવ્યાનું ખૂલ્યું છે. જેમાં કુલપતિ જે.જે.વોરાના કેમેસ્ટ્રી વિભાગ તેમજ અન્ય બાયોલોજી ,ફિઝીક્સ અને એસ.કે. બિઝનેશ મેનેજમેન્ટ મળી ચાર વિભાગ દ્વારા ઘર આંગણે કેમ્પસમાં અડધો કી. મી ના અંતરે પરીક્ષા વિભાગ હોવા છતા બેદરકારી દાખવી ગુણો જમા કરાવ્યા નથી.