પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કેમ્પસમાં અદ્યત્તન સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરાયું
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ ગયું છે. કોરોનાના કારણે 2021માં જે સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું હતું તેનું કામ પૂર્ણ થઇ ગયું છે તે હવે ટુંકસમયમાં ખૂલ્લુ મુકાશે. 5200 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા આ સ્પોર્ટસ સંકુલમાં તમામ પ્રકારની ઇન્ડોર રમતની સુવિધાઓ છે. આ સ્પોર્ટ સંકુલ 8.50 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયું છે. આ સ્પોર્ટસ સંકુલમાં વોલિબોલ, બાસ્કેટ બોલ, લોન્ગ ટેનિસ, ખો-ખો, કબડ્ડી, ટેનિસ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન સહિત તમામ ઇન્ડોર ગેમ્સ ઉપલબ્ધ છે. એટલે વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહેશે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સૌથી મોટું સ્પોર્ટસ સંકુલમાં સુવિધા જોઇએ તો, આ સંકુલમાં તમામ ઇન્ડોર ગેમ્સ રમી શકાશે, સંકુલમાં કસરત પ્રેકિટસ માટે ખાસ જીમ તૈયાર કરાયું છે, સંકુલમાં 100થી 800 પ્રેક્ષકોની બેઠક ક્ષમતાની વ્યવસ્થા કરાઇ છે.સ્પોર્ટસ સંકુલમાં આઉટ સાઇડની અંદર VIP પાર્કિંગ તેમજ કોમન પાર્કિગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ માત્ર ઉદ્ઘાટનની રાહ જોઇ રહ્યું છે. હાલમાં આ સ્પોર્ટસ સંકુલને યુનિવર્સિટીના બાંધકામ વિભાગે શારીરીક નિયામક કચેરી હસ્તક સોંપી દેવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, વડોદરાના સાવલીના ડેસર ખાતે 130 એકરમાં રાજ્યની પ્રથમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થપાવા જઇ રહી છે. જેમાં 5,759 સ્કવેર ફૂટમાં ફેલાયેલું ઇન્ડોર સ્ટેડિયમ પણ હશે. જ્યારે 2400 સ્કવેરફૂટનો પ્લેઈંગ એરિયા પણ તૈયાર કરવામાં આવશે. તેમજ આ યુનિવર્સિટી 2021ના જૂન મહિના સુધીમાં તૈયાર થઈ જાય એવા પ્રયાસો કરાયા હતા. પરંતુ કોરોના મહામારીને કારણે આ કામ હાલ ધીમુ પડયું હતું. પરંતુ, 2022માં આ યુનિવર્સિટી તૈયાર થઇ જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આ યુનિર્વસિટીના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે, હ્યુમન પર્ફોર્મન્સ લેબોરેટરી, ફિટનેસ ટેસ્ટિંગ લેબોરેટરી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી લેબોરેટરી બનાવાશે. તેમજ આ ઇન્ડોર-આઉટડોર સ્ટેડિયમ ધરાવતું કેમ્પસ તૈયાર કરવામાં આવશે. ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં બાસ્કેટ હોલ, કબડ્ડી, બેડમિન્ટન, બોક્સિંગ, હેન્ડ બોલ, જુડો, કરાટે, નેટ બોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ કોર્ટ હશે.