પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 8મી જુનથી અગાઉની બાકી રહેલા સેમેસ્ટર-1ની લગભગ 41 જેટલી પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવાનું આયોજન કરાયું છે. આઠની જૂનથી ત્રણ તબક્કામાં ઓનલાઇન પરીક્ષાઓ યોજાશે. આ ઉપરાંત વર્તમાન કોરોના મહામારીને અનુલક્ષીને સરકાર દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન અંગે પરિપત્ર કરાતાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર છે અને ચારના ફોર્મ ભરવાનું ચાલુ કર્યું હતું. પરંતુ હાલ તુરંત તે સ્થગિત કરાયું છે. સરકાર દ્વારા મેરીટ બેઝ પ્રોગ્રેશન જાહેર કરાતા હવે તે મુજબ પરિણામ કઈ પદ્ધતિથી આપવા તેમજ ફી કઈ રીતે લેવી તે બાબતને લઈને આગામી નવમી જૂને યોજાનાર એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે. ગયા વર્ષે મેરીટ બેઝ પ્રોગ્રેશન જાહેર કરાતા વિદ્યાર્થીઓને 5 ટકા ફી પરત કરવી પડી હતી.
સૂત્રોના જમાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આગામી 8મી જુનથી અગાઉની બાકી રહેલા સેમેસ્ટર-1ની લગભગ 41 જેટલી પરીક્ષાઓ ત્રણ તબક્કામાં લેવાનું આયોજન કરાયું છે. આ વર્ષે પણ મેરિટ બેજ પ્રોગ્રેશનના કારણે તેને લગતા પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે આ બેઠકમાં તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કારકિર્દીને અસર ન થાય અને વિદ્યાર્થીઓ તેમની કારકિર્દી આગળ વધારી શકે તે માટે સ્નાતક કક્ષાના સેમેસ્ટર-6 તથા અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર-2ના પરીક્ષાના ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિગતવાર કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે અને જુલાઈ મહિનાના પહેલા વીકમાં પરીક્ષા યોજાશે .
પરીક્ષા નિયામક ડો . મિતુલ એમ.દેલિયાએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને કારણે યુનિવર્સિટી દ્વારા ઓકટોબર-ડિસેમ્બર 2020માં સ્થગિત કરેલી પરીક્ષાઓ તેમજ માર્ચ-જૂન 2021ની ચાલુ સ્નાતક કક્ષાની સેમેસ્ટર 2, 4 અને 6 તથા અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 અને સેમ -4ની પરીક્ષાઓ ઓનલાઇન પદ્ધતિથી એમસીકયું પ્રશ્નો દ્વારા લેવાનું નક્કી કરેલું છે. આ તમામ 41 જેટલી પરીક્ષાઓ 8મી જૂનથી ત્રણ તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો તારીખ 08-06-2021થી ચાલુ થશે. જેમાં જુદી જુદી 17 પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષાઓ પૂર્વે બે મોક ટેસ્ટ લેવાશે. ત્યારબાદ બીજા તબક્કાની 9 પરીક્ષાઓ 19 જૂનથી ચાલુ થશે અને ત્રીજા તબક્કામાં લેવાનાર 15 પરીક્ષાઓ તા.01-07-2021થી શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ 15 માર્ચથી શરૂ થનારી પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી હતી, જે પૈકી બી.એસસી, બી.કોમ, બી.બી.એ, બી.આરએસ, બી.એસસી હોમ સાયન્સ, બીએ.બી.એડ, બી.એસસી બીએડ તમામની સેમ-1 ના બાકી રહેલા પેપરોની પરીક્ષાઓ ઓનલાઇન પદ્ધતિથી લેવામાં આવશે અને તેનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઈટ પર હવે પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષાઓ અંગેની પ્રોવિઝનલ અને ફાઇનલ હોલ ટિકિટ યુનિવર્સિટીની વેબસાઇટ પર જોઈ શકાશે એમ તેમણે જણાવ્યું હતું.