Site icon Revoi.in

અમદાવાદના લાલ દરવાજા AMTSના હેરિટેજ થીમ પર બનેલા બસ સ્ટેશનનું સોમવારે લોકાર્પણ

Social Share

અમદાવાદઃ શહેરના હાર્દ સમાન લાલ દરવાજા વિસ્તારમાં આવેલા AMTS બસ સ્ટેન્ડનું સ્વર્ણિમ પ્રોજેક્ટ હેઠળ કરાતું બ્યુટિફિકેશનનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. અને ટૂંક સમયમાં બસ સ્ટેન્ડને લોકો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે. બસસ્ટેન્ડના બિલ્ડિંગને એલિવેશન મોન્યુમેન્ટને ધ્યાનમાં લઈ હેરિટેજ થીમ પર બનાવવામાં આવ્યું છે. જયપુરના ગુલાબી પથ્થરોથી હેરિટેજ બસ સ્ટેન્ડને નવો લૂક આપવામાં આવ્યો છે. તેમજ ફાનસ પેટર્નની લાઈટોથી બસ સ્ટેન્ડના આકર્ષણમાં વધારો કરે છે. લાલ દરવાજા બસસ્ટેન્ડ પરથી ઓપરેટિંગ થતા બસ રૂટોની સંખ્યા 49 છે અને બસની કુલ સંખ્યા 118 છે. રોજ 2.25 લાખ લોકો લાલ દરવાજા ટર્મિનસથી અવર-જવર કરે છે. આ બસસ્ટેન્ડનું 5 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે.

અમદાવાદને હેરિટેજ સિટી તરીકે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે શહેરના લાલ દરવાજા એએમટીએસના બસ સ્ટેશનને હેરિટેજ લૂક આપીને બનાવવામાં આવ્યું છે.એએમટીએસની અનેક બસોના રૂટ્સ લાલદરવાજાથી શરૂ થાય છે અને અંત થાય છે. ત્યારે હવે આ લાલ દરાવાજાના AMTS બસ સ્ટેન્ડની કાયાપલટ કરવામાં આવી છે. આ મુખ્ય સ્ટેન્ડને હેરિટેજ થીમ પર નવીનીકરણ કરવામાં આવ્યું છે. 65 વર્ષ જુના બસ સ્ટેન્ડમાં 1 વર્ષથી વધુ સમયથી નવીનીકરણ કરવામાં આવતુ હતુ. આ હેરિટેજ સિટીની થીમ પર બનેલા નવા સ્ટેન્ડનું લોકાર્પણ 5 જૂનના રોજ મુખ્યમંત્રીના હસ્ત લોકાર્પણ કરવામાં આવવાનું છે. આ હેરિટેજ થીમ પર બનેલા બસસ્ટેન્ડની અંદર અમદાવાદના તમામ સ્થળોએ હેરિટેજ સ્થળોની પ્રતિકૃતિ મુકવામાં આવી છે. હેરિટેજ થીમથી ઉપરનાં માળે ઓફિસો તેમજ નીચે બસ સ્ટોપ બનાવવમાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યુ હતુ કે, 5મી જુનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  હસ્તે  લાલ દરવાજા AMTS બસસ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવશે. લાલદરવાજાના AMTS બસ સ્ટેન્ડને હેરિટેજ થીમથી નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 10 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, જેને ધ્યાને રાખીને આ બસ સ્ટેન્ડને હેરિટેજ થીમથી બનાવવામાં આવ્યુ છે. હાલ અમદાવાદમાં AMTSની 700થી વધુ બસો દોડી રહી છે.  AMTS અમદાવાદની જીવાદોરી સમાન બની ગઈ છે.