Site icon Revoi.in

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ ભારતમાં હાઈ એલર્ટ, બોર્ડર પર BSF એલર્ટ

Social Share

નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સ્થિતિ વણસી ગયા બાદ વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે  પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા BSFએ ભારત-બાંગ્લાદેશ સરહદ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બીએસએફના ડીજી પણ કોલકાતા પહોંચી ગયા છે. બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા સેનાના હાથમાં છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ 4,096 કિલોમીટર લાંબી છે. BSFએ તમામ બોર્ડર યુનિટ પર એલર્ટ જાહેર કરી દીધું છે. પાડોશી દેશમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

હિંસક વિરોધ વચ્ચે રાજીનામું આપ્યા બાદ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ રાજધાની ઢાકા છોડીને પોતાની બહેન સાથે સલામત સ્થળે જવા રવાના થયા હતા. આરક્ષણના વિરોધમાં લગભગ 300 લોકો માર્યા ગયા છે ત્યારે વિરોધીઓએ હસીનાના રાજીનામાની માંગ કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર આ બધાની વચ્ચે શેખ હસીનાના પુત્રએ બાંગ્લાદેશના સુરક્ષા દળોને કોઈપણ બિનચૂંટાયેલી સરકારને સત્તામાં આવતા રોકવા વિનંતી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હજારો પ્રદર્શનકારીઓએ પીએમના આવાસ પર હુમલો કર્યો હતો. ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને તેના નાગરિકોને હાલમાં બાંગ્લાદેશની મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બાંગ્લાદેશમાં હિંસક વિરોધને ધ્યાનમાં રાખીને, શેખ હસીનાએ રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા બાબતોની સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં તે આર્મી, નેવી, એરફોર્સ, પોલીસ, રેપિડ એક્શન બટાલિયન (RAB)ને મળી હતી.