ગુજરાતના રાજ્યપાલની શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરત્ને લીધી શુભેચ્છા મુલાકાત
ગાંધીનગરઃ શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાતે પધાર્યા હતા. ભારતમાં ઉચ્ચાયુક્તનો પદભાર સંભાળ્યા પછીથી તેમની કોઈ રાજ્યની આ પહેલી મુલાકાત હતી. વાઇબ્રન્ટ ગુજરાત માટે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. દરમિયાન રાજ્યપાલ દેવવ્રતજીએ શ્રીલંકાના કૃષિ નિષ્ણાતોના પ્રતિનિધિ મંડળને ભારતમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિસ્તૃત તાલીમ લેવા અનુરોધ કર્યો હતો. જ્યારે શ્રીલંકાના ઉચ્ચાયુક્તે સૌથી નજીકના પડોશી દેશ તરીકે બંને દેશો વચ્ચે સુખ-શાંતિભર્યા વધુ સુદ્રઢ સંબંધો માટેની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
શ્રીલંકામાં ઑર્ગેનિક ફાર્મિંગ – જૈવિક ખેતીને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વિશે શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્નેએ વિસ્તૃત વાત કરી હતી અને ઉકેલ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઑર્ગેનિક-જૈવિક ખેતીને બદલે નેચરલ-પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે, વિદેશ મંત્રાલયના પરામર્શમાં રહીને શ્રીલંકન સરકારે શ્રીલંકાના કૃષિ નિષ્ણાતોના સંનિષ્ઠ અને સમર્પિત પ્રતિનિધિ મંડળને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિસ્તૃત તાલીમ લેવા માટે ભારત મોકલવું જોઈએ. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપયોગી જાણકારી મેળવીને શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરતનેએ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
રાજ્યપાલ સાથેની શુભેચ્છા મિલાકાત દરમિયાન શ્રીલંકાના ઉચ્ચાયુક્ત શ્રીમતી ક્ષેણુકા સેનેવિરત્નેએ ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાના ઉત્પાદન એકમો શ્રીલંકામાં શરૂ કરે અને ગુજરાતના પ્રવાસીઓ શ્રીલંકાના રમણીય સ્થળોના પ્રવાસે આવે એવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે સૌથી નજીકના પડોશી દેશ તરીકે બંને દેશો વચ્ચે સુખ-શાંતિભર્યા વધુ સુદ્રઢ સંબંધો માટેની શુભેચ્છા વ્યક્ત કરી હતી.