બિસ્માર માર્ગો અને રખડતા ઢોરોના ત્રાસ મામલે હાઈકોર્ટની સરકારને ટકોર
અમદાવાદઃ રખડતા ઢોરોના ત્રાસ અને બિસ્માર માર્ગોના મુદ્દે હાઈકોર્ટમાં શરૂ થયેલી અરજીની સુનાવણીમાં સરકારે વધુ સમયની માંગણી કરી હતી. જો કે, રાજ્યની વડી અદાલતે લાંબી મુદત આપવાનો ઈન્કાર કરીને આકરી ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ચોમાસાના લીધે રસ્તાઓની સાચી સ્થિતિ ખબર પડશે, સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે પણ જરુરી છે.
કેસની હકીકત અનુસાર રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ સહિતના પ્રજાને સ્પર્શતા મુદ્દાઓને લઇ આપેલા ચુકાદાઓનું પાલન નહી થતાં હાઇકોર્ટમાં સરકાર અને સત્તાવાળાઓ વિરુધ્ધ અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ પિટિશન થઈ છે. જેની સુનાવણીમાં સરકારે વધારે સમયની માંગણી કરી હતી. બીજી તરફ અરજદાર દ્વારા સરકારની રજૂઆતનો વિરોધ કર્યો હતો.
રાજ્યની વડી અદાલતે ટકોર કરી હતી કે, હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને જો લાંબો સમય અપાય તો તેનો કોઇ અર્થ ના રહે અને બીજું કે, સંબંધિત સત્તાવાળાઓ જાગશે નહી. ચોમાસાના લીધે રસ્તાઓની સાચી સ્થિતિ ખબર પડશે, સત્તાધીશો અસરકારક કામગીરી કરે તે પણ જરુરી છે.
ગુજરાત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ પિટિશનની અરજીની સુનાવણી મુલત્વી રાખી છે. હવે તા. 25મી જુલાઈના રોજ આ અરજી ઉપર વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે.