પશ્ચિમ બંગાળમાં વર્ષ 2011થી જાહેર કરાયેલા 5 લાખ જેટલા OBC પ્રમાણપત્ર રદ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
નવી દિલ્હીઃ કોલકત્તા હાઈકોર્ટે આજે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2011થી જાહેર કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ કરવાનો નિર્દેશ કર્યો છે. હવે નોકરીની અરજીઓમાં પણ OBC પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં.
કેસની હકીકત અનુસાર, કોલકાતા હાઈકોર્ટમાં જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે બુધવારે એક PILની સુનાવણી દરમિયાન આ નિર્દેશ કર્યો હતો. આ પીઆઈએલમાં ઓબીસી સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે સૂચના આપી હતી અને કહ્યું હતું કે, 1993ના કાયદા હેઠળ રચાયેલા પશ્ચિમ બંગાળ પછાત આયોગ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર જ OBC પ્રમાણપત્રો બનાવવામાં આવે.
હાઈકોર્ટના નિર્દેશ બાદ ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, “મમતા બેનર્જીની તુષ્ટિકરણની રાજનીતિને વધુ એક ઝટકો લાગ્યો છે.” કલકત્તા હાઈકોર્ટે OBC સબ-કેટેગરીમાં મુસ્લિમોની અનામત સમાપ્ત કરી દીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે હાઈકોર્ટે 2010 થી 2024 વચ્ચે આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો પણ રદ કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન, જો પ્રવેશ મેળવનારા લોકો તેમની નોકરી જાળવી રાખવામાં સફળ થાય છે, તો તેઓ અન્ય કોઈપણ લાભો માટે હકદાર રહેશે નહીં.