ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગ સામે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી માંગ્યો જવાબ
અમદાવાદઃ પંજાબની જેમ ગુજરાતમાં પણ ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવાને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે.
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવા મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટ કરી છે. હાઇકોર્ટમાં આવેલા સગીરોના કેસોની વિગતોને આધારે સુઓમોટો રિટ દાખલ કરીને ગુજરાત સરકારને આ મામલે જવાબ રજૂ કરવા મૌખિક આદેશ કર્યો છે. રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકો અને સગીરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતા તેની સામે કડક પગલા લેવા અને આવી ઘટના રોકવા માટે સરકાર શું પગલા લેશે? તેની વિગતો માટે આગામી દિવસોમાં સુનાવણી થશે. ગુજરાતમાં ઘૂસડાતા ડ્રગ્સને યુવાનો સુધી સરળતાથી પહોંચાડવા માટે બાળકોનો હેરાફેરીમાં ઉપયોગ કરાતો હોવાની માહિતી મળતા જસ્ટિસ નિખિલ કરેઇલે આ મામલાને ગંભીરતાથી લઇને સુઓમોટો રિટ લીધી છે.
ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગ અંગે ખુલાસો કરવા સરકારને આદેશ કરી દેવામાં આવ્યો છે. હાઈકોર્ટે પૂછ્યું હતું કે, બાળકોનો ઉપયોગ આ પ્રકારે થતો હોવાની જાણ પોલીસને ન હોય તે શકય નથી. કોલેજો અને ઈન્સ્ટિટ્યૂટમાં બાળકોને મોકલીને ડ્રગ્સ પહોચાડવું સહેલુ હોવાથી અને તેમના પર શંકા ન જાય તે હેતુથી દુરઉપયોગ થઇ રહ્યો છે. સરકાર અને પોલીસ સત્તાવાળાઓ તેના પર કેવી રીતે અંકુશ લઇ શકે તે અંગે પણ કોર્ટે ચિંતા વ્યકત કરીને સરકાર પાસે ખૂલાશો માગ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે ડ્રગ્સ માફીયાઓના નેટવર્ક અને કેવી રીતે બાળકોને હાથો બનાવવામાં આવે છે? તેની ઝીણવટભરી વિગતો રજૂ કરવા ગૃહસચિવ, ડીજીપીને પણ પક્ષકાર બનાવ્યા છે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ડ્રગ્સની હેરાફેરીમાં માત્ર બાળકો નહીં પરતું બાળકીઓને પણ શિકાર બનાવવામાં આવે છે. સરકાર અને પોલીસે તેને ગંભીર મુદ્દો ગણીને ઝડપથી તેને રોકવા પ્રયાસો કરવા પડશે તેવી પણ ટકોર કરી છે. જેની સુનાવણી આગામી સપ્તાહે હાથ ધરાશે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું છે.