Site icon Revoi.in

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડના મુદ્દે સરકારની કાઢી ઝાટકણી, અમને તંત્ર પર ભરોસો નથી

Social Share

અમદાવાદઃ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે સાંજના સમયે આગ લાગતા 28ના મોત નિપજ્યા હતા. આ ગોઝારા બનાવમાં તંત્રની લાપરવાહીની ટીકા થઈ રહી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ રવિવારે સુઓમોટો દાખલ કરીને સુનાવણી હાથ ધરી હતી. આજે સોમવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. અને તંત્રને વેધક સવાલ કરીને હિસાબ માંગ્યો હતો. હાઈકોર્ટે કહ્યું કે, શું આપણી પાસે એવી કોઈ મશીનરી નથી. 4 વર્ષમાં પહેલા ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહીના ઓર્ડર કર્યા, પણ 4 વર્ષમાં કઈ એવું કામ થયું નથી. 4 વર્ષમાં 6 મોટી ઘટના બની છે. કેટલાયના મોત નિપજ્યા છે. તંત્રએ શું કર્યું.એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. દરમિયાન રાજકોટ ગેમઝોનમાં ફાયર એનઓસી  ન હોવાનો સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યો હતો.

રાજકોટના અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ટકોર કરીને કહ્યું કે, તંત્રએ બેદરકારી રાખી આદેશનું પાલન કર્યું નહિ જેથી રાજકોટનો અગ્નિકાંડ થયો. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન શું કહેવા માંગે છે ?  શું રાજકોટ ગેમ ઝોનમાં પરમિશન હતી. ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ ન રાખ્યું. હાઇકોર્ટનો આદેશ છતાં મ્યુનિ.નું તંત્ર બેદરકાર રહ્યું એવું સમજીએ. અમદાવાદના ગેમઝોનમાં શું સ્થિતિ છે. તંત્રએ ગંભીર થવાની જરૂર છે.

હાઈકોર્ટમાં  સુનવણી શરૂ થતા વકીલ એસોસિયેશનના સિનિયર વકીલ અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ફાયર સેફ્ટી વિના જ ગેમઝોન ધમધમી રહ્યાં છે. ફાયર સેફટીને લગતા જજમેન્ટ કોર્ટે રેકર્ડ પર લીધા છે. રાજકોટ આગમાં મ્યુનિ.નું તંત્ર જવાબદાર છે. પાર્કિંગ સ્પેસ, ફાયર સેફટીનો અભાવ હોવાથી આગ વિકરાળ બની હતી. શું રાજકોટ મ્યુનિ.એ ધ્યાન રાખવાની જરૂર નથી. ગેમીંગ ઝોનને મંજુરી આપવા અંગે કોઇ જોગવાઇ નથી. રાજકોટ ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, એનઓસી માટે કોઇ અરજી મળી નથી. ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે હજુ કોઇ નિયમો નથી. રાજ્ય સરકારે આગના મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે. મીડિયા અહેવાલ મુજબ પોલીસ કલેક્ટર ફાયર ઓફિસર, મ્યુનિ. સહીતના અધિકારીઓની બેદરકારીથી આ અગ્નિકાંડ થયો છે. તક્ષશિલા અગ્નિકાંડ, શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ આવા અગ્નિકાંડ બાદ પણ તંત્ર ઉંઘે છે. આ અગ્નિકાંડ બાદ તંત્ર કેમ બેદરકારી રાખે છે.