અમદાવાદઃ ગુજરાતમાં ગટરમાં સફાઈ કરવા ઉતરેલા સફાઈ કામદારોના મોતમાં વળતર ચુકવવાના મુદ્દે તેમજ શારિરીક રીતે થતું ગટર સફાઈ કામને બદલે મશીનથી ગટરની સફાઈ કરવા સહિતના મુદ્દે માનવ ગરિમા સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યના અર્બન ડેવલપોમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું ફાઈલ કરવા આદેશ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી 12મી સપ્ટેમ્બરે કરાશે.
માનવ ગરીમાં સંસ્થા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરીને રાજ્યમાં થતા ગટર સફાઈ કામદારોના મોત, શારીરિક રીતે થતું ગટર સફાઈનું કામ રોકવા અને તેમના આવા કાર્ય દરમિયાન મૃત્યુ બાદ ચૂકવવાના વળતર અંગે ન્યાયની માગણી કરી હતી. જેમાં તબક્કાવાર ગટરનું શારીરિક રીતે સફાઈ કરતા ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામેલ કામદારોની યાદી હાઇકોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. જેમને વળતર ચૂકવવાનું બાકી હતું. આથી હાઈકોર્ટે અર્બન ડેવલપોમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને સોગંદનામું ફાઈલ કરવા આદેશ કર્યો હતો.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલને અરજદાર દ્વારા કેસનું બેકગ્રાઉન્ડ આપતા જણાવાયું હતું કે, કોર્ટ દ્વારા અગાઉ જે-તે ઓથોરિટી અંતર્ગત ગટર સફાઈનું કામ થતું હોય તે માટે જવાબદાર અધિકારીઓ નક્કી કરવામાં આવ્યા છે. કોર્ટના આદેશ મુજબ અરજદારે રજૂ કરેલા 152 ગટર સફાઈ કામદારોના પરિવારમાંથી 137ને વળતર ચૂકવાયું છે. હાઇકોર્ટમાં કેસ ચાલુ છે તે દરમિયાન પણ શારીરિક રીતે ગટર સફાઈ કરતા કામદારોના મોત થયા છે. હજી 25 ગટર સફાઈ કામદારોના પરિવારને વળતર ચૂકવવાનું બાકી છે. અગાઉના સુપ્રીમ કોર્ટના આદેશ અને કેન્દ્ર સરકારના કાયદા મુજબ કોઈ પણ ગટર સફાઈ કામદાર પાસે મશીન વગર હાથથી સફાઈ કરાવી શકાય નહીં. ઉપરાંત ગટરમાં ઉતરવાની તો સખત મનાઈ છે. આ કાયદાના પ્રેક્ટિકલ અમલીકરણ માટે સ્થાનિક સંસ્થાઓને સાધનો પૂરા પાડવાની જરૂર છે. સરકારે આ મુદ્દે મેન્યુઅલ સ્કેવેંજિંગ થતું નથી તેવી એફિડેવિટ ફાઈલ કરી હતી, છતાં આવા બનાવ બન્યા છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને એન.વી. અંજારીયાની બેંચે આ મુદ્દે રાજ્યના અર્બન ડેવલપોમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરી તેમજ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટના પ્રિન્સિપાલ સેક્રેટરીને એફિડેવિટ ફાઈલ કરવા હુકમ કર્યો છે. તેમજ જણાવ્યું છે કે, આ મુદ્દે ઉપરોક્ત ઓથોરિટી દ્વારા આવા કામના પ્રોહેબિશનના ઓર્ડર આપવા જોઈએ. તેમજ તેમાં જવાબદાર અધિકારીઓને દંડ અને ખાતાકીય કાર્યવાહીની સૂચના આપવી જોઈએ. આ મુદ્દે આગામી સુનાવણી 12 સપ્ટેમ્બરે નક્કી કરાઈ છે.