સરકારી શાળાઓમાં પીવાના પાણી સહિત ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી રજુ કરવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાની ચર્ચા તો ઘણા સમયથી લોકોમાં ચાલી રહી છે. રાજ્યમાં ઘણા ગામડાંઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં પુરતા ઓરડા નથી તેથી બાળકોને ખૂલ્લામાં બેસીને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. ઘણી શાળાઓમાં પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી. શાળાઓમાં પુરતા શિક્ષકો પણ નથી. ત્યારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે રાજ્યની સરકારી સ્કૂલઓની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે, સાથે જ સરકાર પાસે તમામ સરકારી સ્કૂલઓની પરિસ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગેની વિગતો રજુ કરવા નિર્દેશ આપ્યા છે.
રાજ્યમાં કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓમાં ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર ફરી એકવાર રાજ્ય સરકારને રાજ્યમાં સરકારી સ્કૂલોની પરિસ્થિતિ અંગે વિગતો રજૂ કરવા નિર્દેશ આપ્યા છે કોર્ટે કહ્યું કે, સરકારી સ્કૂલઓની પરિસ્થિતિ અને જેમાં વિદ્યાર્થીઓને અપાતી સગવડતા અને સુવિધા અને વિગતો રજૂ કરવામાં આવે. સુનાવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે, રાજ્યમાં કુલ 37 જેટલી શાળાઓ જર્જરિત હાલતમાં છે.
ગુજરાત હાઈકોર્ટમાં ખંડપીઠે સરકારી શાળાના બાળકોને સ્કૂલમાં મળતી સુવિધા અંગે પણ ગંભીર નોંધ લીધી છે. કોર્ટે કહ્યું કે, ‘તેમના ધ્યાને આવ્યું છે કે વલસાડ જિલ્લાના ધરમપુરની સ્કૂલમાં પીવાના પાણીની સુવિધા નથી. જેથી એડવોકેટ જનરલને સ્કૂલની વાસ્તવિક સ્થિતિની સાથે વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં ઉપલબ્ધ સુવિધા અંગેની વિગતો પણ રજૂ કરવા માટે કહ્યું છે. સુનાવણી દરમિયાન સરકાર વતી એ પણ નિવેદન કરવામાં આવ્યું છે કે, જે સ્કૂલને લઈને સુઓ મોટો દાખલ થઇ હતી, તે સ્કૂલનું બાંધકામ પણ પૂર્ણ થવાના આરે છે, એક સપ્તાહમાં સ્કૂલ બિલ્ડિંગ સંબંધિત સ્કૂલ મેનેજમેન્ટને સોંપી દેવામાં આવશે. આ મામલે ખંડપીઠે કોર્ટની મદદ માટે કોઈ યુવા વકીલનું નામ ‘કોર્ટ મિત્ર’ તરીકે સૂચવવા માટે કહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ડિસેમ્બર 2021માં છોટાઉદેપુરની એક સ્કૂલમાં ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ખુલ્લામાં ભણવું, એ બાબત નવી નથી, કારણ કે તેઓ જ્યારે અભ્યાસ કરતા ત્યારે આજ રીતે બહાર બેસી અભ્યાસ કરતા’. આ નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ નિલય મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લઇ સુઆ મોટો દાખલ કરી હતી. શિક્ષણ મંત્રીના આ પ્રકારના નિવેદન સામે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે તેમના નિવેદનને શરમજનક જણાવ્યું હતું.