અમદાવાદઃ રાજ્યની નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો કેટલા છે. તેનો રિપોર્ટ આપવા હાઈકોર્ટે ગુજરાતના ચીફ મ્યુનિસિપાલિટી કમિશનરને માર્ચના પહેલા અઠવાડિયામાં એફિડેવિટ કરવા હુકમ કર્યો છે. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેના બાંધકામ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે ન.પા. અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સાથે જ એવો મહત્ત્વનો હુકમ રાજ્યના મ્યુનિસિપાલ્ટિઝના કમિશનરને કર્યો છે કે સમગ્ર રાજ્યમાં તેમના હસ્તક આવતી નગરપાલિકાઓમાં ક્યાં-ક્યાં અને કેટલું ગેરકાયદે બાંધકામ અને દબાણ થયેલું છે તેનો એક વિસ્તૃત અહેવાલ કોર્ટને આપવામાં આવે. આ કેસની વધુ સુનાવણી નવમી માર્ચના રોજ મુકરર કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગેરકાયદે બાંધકામના મુદ્દે એડવોકેટ પ્રિયંક પંડ્યા અને એડવોકેટ એસ.એચ. ઐયર દ્વારા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે અગાઉ પણ ન.પા.ની ઝાટકણી કાઢી હતી અને ન.પા.ને વિખેરી કાઢવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ કેસની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે સખત વલણ અપનાવ્યું હતુ. આ મામલે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા અને તેમ છતાંય જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી ન થતાં જાહેરહિતની અરજી થઇ હતી. જેમાં ચીફ જસ્ટિસે ન.પા.ના ચીફઓફિસરને પુરાવા સાથેની કાનૂની નોટિસથી જાણ કરવા છતાં એક્શન નહી લેવા બદલ દંડ કરી એક્શન લેવા હુકમ કર્યો હતો. હુકમ પછી માત્ર આઠ દુકાનો સીલ કરી બાકીના 150 ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ એક્શન નહીં લેવાથી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી સરકારને સવાલ કર્યો હતો. ત્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે દસ વર્ષમાં એન.એ. અને આર્કિઓલોજી રૂલ વિરૂદ્ધ અસંખ્ય ઇમારતો બની છે. કોર્ટે સરકારી વકીલને પૂછ્યું હતું કે આટલા ગેરકાયદે બાંધકામ થયા ત્યાં સુઘી અધિકારીઓ કયા હતા?, તેમણે શું કર્યું? ત્યારબાદ હાઇકોર્ટે આખા ગુજરાતની તમામ મ્યુનિસિપાલિટીમાં કયા સ્થળે આવા કેટલા ગેરકાયદે બાંધકામો થયા છે તેની ગુજરાતના ચીફ મ્યુનિસિપાલિટી કમિશનરને માર્ચના પહેલા અઠવાડિયામાં એફિડેવિટ કરવા હુકમ કર્યો છે.