Site icon Revoi.in

MBBSના વિદ્યાર્થી પાસેથી બોન્ડની રકમ લઈને અસલ સર્ટી પરત કરવા હાઈકોર્ટનો આદેશ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજોમાં મફતમાં ભણતા વિદ્યાર્થીઓને ડિગ્રી મેળવ્યા બાદ ગામડાંમાં કેટલાક સમય પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે. અને તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડ લેવામાં આવે છે. જો તબીબી વિદ્યાર્થીઓ ગાંમડાંમાં સેવા આપવા ન માગતા હોય તો તેમણે બોન્ડ આપવા પડે છે.આ મામલે તબીબી વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે વિવાદ જાગ્યો હતો.એમબીબીએસના વિદ્યાર્થીને તેના ઓરિજનલ સર્ટિફિકેટ જીએસઇઆરએસે પરત નહીં કરતા વિદ્યાર્થીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેમાં હાઈકોર્ટે તમામ પ્રમાણપત્રો વિદ્યાર્થીને તરત જ પરત કરવા આદેશ કર્યો છે.

એમબીબીએસના વિદ્યાર્થી નીલ રાજેશ પટેલે હાઇકોર્ટમાં અરજી કરી છે. વિદ્યાર્થીના પિતા રાજેશ પટેલે પાર્ટી ઇન પર્સન તરીકે કોર્ટમાં દલીલો કરી પોતાના મુદ્દા રજૂ કર્યા હતા. તેમા એવી રજૂઆત કરી હતી કે, તેમના દીકરા નીલ રાજેશ પટેલે તાજેતરમાં જ જીએસઇઆરએસમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પરંતુ તેમને આગળ માસ્ટર ડીગ્રીમાં અભ્યાસ કરવા અને એનએચએલ કોલેજમાં પ્રવેશ માટે ઓરીજનલ સર્ટીફિકેટ કોલેજ સત્તાવાળા આપતા નથી. બે લાખના બોન્ડ જમા નહી કરો તો સર્ટીફિકેટ નહી મળે તેવી ધમકી આપવામાં આવી છે. સરકાર વિદ્યાર્થીઓ પાસેથી બોન્ડના નામે ખંડણી ઉઘરાવી રહી છે. બે લાખના બોન્ડ જમા નહી કરવાની અરજદારની માગણી કોર્ટે ફગાવી દીધી હતી. સરકારે બનાવેલા નિયમો મુજબ બોન્ડની રકમ જમા કરાવીને પ્રમાણપત્રો મેળવવા કોર્ટે આદેશ કર્યો છે.

કોર્ટે ગુજરાત મેડિકલ એજયુકેશન રીસર્ચ સોસાયટીને બે લાખની રકમ મેળવીને પ્રમાણપત્રો પરત કરી દેવા આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો રોકીને તેમના ભવિષ્યને નુકસાન કરી શકાય નહીં. જોકે આ સાથે તેમણે એવું પણ કહ્યું કે જો ગામડામાં ડોકટરોને ફરજ ન બજાવવી હોય તો તેમણે બોન્ડની રકમ જમા કરાવવી પડશે.