ગુજરાતમાં શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિના મુદ્દે કમિટી બનાવીને તપાસ કરાવવા હાઈકોર્ટનો આદેશ
અમદાવાદઃ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં શૌચાલયના બાંધકામમાં મોટું કૌભાંડ થયું હોવાની હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા શૌચાલય કૌભાંડની નોંધ લેતાં હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં તપાસ કરવા હુકમ કર્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે કમિટી બનાવીને તપાસ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડાં ગામમાં શૌચાલય બાંધવાની યોજના માત્ર કાગળ પૂરતી સીમિત રાખી લાભાર્થીઓના પૈસા પચાવી પડવાના આક્ષેપો થયા હતા. જે બાબતે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જે મામલે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નોંધ લેતા તાલુકા અને જિલ્લા સ્તરે કમિટી બનાવી તપાસ કરી તેનો રિપોર્ટ રજૂ કરવા માટે હુકમ કર્યો છે. માત્ર આ કિસ્સા પૂરતું નહીં પરંતુ રાજયભરમાં આ યોજના સંદર્ભે તપાસ કરી, તેની તેનો રિપોર્ટ તૈયાર કરવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે ટકોર કરી હતી કે, ‘જો એક ગામની આ સ્થિતિ છે તો સમગ્ર રાજ્યમાં શું સ્થિતિ હોઈ શકે! આ મુદ્દે તલસ્પર્શી તપાસની જરૂર હોવાનું હાઇકોર્ટનું અવલોકન કરતા રાજ્ય સરકારને નોટિસ પાઠવી રાજ્યભરમાં તપાસ કરી રિપોર્ટ આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ચીભડાં ગામે 360 લાભાર્થીઓને પ્રત્યેક ઘર દીઠ રૂ. 12000 ગ્રાન્ટ આપવામાં આવી હતી. જો કે જે કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવ્યું હતું તેને હકીકતમાં શૌચાલય બાંધવાની કામગીરી કરી ન હતી, લાભાર્થીઓની રકમના પૈસા પચાવી પાડ્યા હતા. આ મામલે અરજદારના એડવોકેટ જીતેન્દ્ર મલકાને જણાવ્યું, કે વર્ષ 2020માં આજ મામલે હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં સરકારે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે ‘આ પ્રકારની ફરિયાદ મામલે સરકારે એક કમિટી બનાવી છે, જે તેની તપાસ કરશે, જે બાદ અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. પરંતુ લાંબો સમય વિતવા છતાં પણ તપાસ અંગેની માહિતી સામે ન આવતા અરજદાર દ્વારા માહિતી અધિકાર નિયમ અંતર્ગત શૌચાલય બાંધકામ અંગેની વિગતો માંગી હતી. જેમાં સરકારી યોજનાના પૈસા પચાવી પાડવાનો ઘટસ્ફોટ થયો હતો.