અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાના મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. સરકાર વતી એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત કરતા કહ્યુ કે, લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે. તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને મ્યુકોરમાઇકોસિસ અંગે રાજ્ય સરકારે ગઈકાલે હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યું હતું. ત્યારે આજે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી PIL પર આ અંગે સુનાવણી શરૂ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટેના પ્રયાસો કરવાની ટકોર કરી છે. સાથે જ લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવા કહ્યું છે, જેથી કોરોનાનું સંક્રમણ ફરી ન વધે. ઉપરાંત રાજ્યમાં માસ્કનો દંડ ઘટાડવા અંગે હાઇકોર્ટે ઇનકાર કર્યો છે.
રાજ્યમાં માસ્ક ન પહેરવા પર વસૂલાતો દંડ ઘટાડવા અંગે ગુજરાત હાઇકોર્ટે ઈનકાર કરી દીધો હતો. રાજ્ય સરકારે માસ્કનો દંડ ઘટાડવા અંગે રજૂઆત કરી હતી. જોકે હાઇકોર્ટે કહ્યું હતું કે, પર્યાપ્ત વેક્સિનેશન બાદ માસ્કના દંડ ઘટાડા અંગે વિચારીશુ. માસ્ક પર એક હજાર દંડ રાખ્યો છતા બીજી લહેર આવી. એડવોકેટ જનરલે રજુઆત કરી હતી કે, કોરોનાના કેસો પિક પર હતા ત્યારે આપણે દંડ વસૂલ્યો જ છે. હવે પ્રમાણમાં કેસો ઓછા છે, માટે દંડની રકમ ઓછી કરવામાં આવે. હાઇકોર્ટે ટકોર કરી હતી કે, હજુ કોરોના ગયો નથી અને ત્રીજી લહેર અપેક્ષિત છે. જો માસ્કની રકમ ઓછી કરો તો શું લોકો શિસ્તમાં રહશે? લોકો શિસ્તમાં રહેશે તેની જવાબદારી રાજ્ય સરકાર લેશે? લોકોને માસ્ક પહેરાવો એ જ વિકલ્પ છે. દંડની રકમ વધારે છે એટલે લોકો શિસ્તમાં છે..