1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યના મહાનગરોમાં નોનવેજ લારીઓ માર્ગો પરથી હટાવવા મુદે હાઈકોર્ટેની મ્યુનિ.કોર્પોરેશનને ઝાટકણી
રાજ્યના મહાનગરોમાં નોનવેજ લારીઓ માર્ગો પરથી હટાવવા મુદે હાઈકોર્ટેની મ્યુનિ.કોર્પોરેશનને ઝાટકણી

રાજ્યના મહાનગરોમાં નોનવેજ લારીઓ માર્ગો પરથી હટાવવા મુદે હાઈકોર્ટેની મ્યુનિ.કોર્પોરેશનને ઝાટકણી

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિતની મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેરમાં લારીઓમાં વેચાતી આમલેટ અને નોનવેજ સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં લારી-ગલ્લાઓ ઉઠાવી લેવા તેમજ ગલ્લાધારકોનો ધંધો બંધ કરાવવા મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આકરા શબ્દોમાં સવાલ પૂછ્યો હતો કે વ્યક્તિ પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે શું ખાશે એ હવે કોર્પોરેશન નક્કી કરશે? મ્યુનિસિપલ કમિશનરને કોણે આવો અધિકાર આપ્યો? અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં, એની સાથે જ પ્રશાસન પોતાની મરજી મુજબના વર્તનથી લોકોને પરેશાન કરે એ ચલાવી નહી લેવાય. આ મામલે હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ ઇસ્યુ કરી તાત્કાલિક કોર્પોરેશનના વકીલને હાજર રહેવા માટે હુકમ કર્યો  હતો.

રાજ્યમાં તાજેતરમાં અમદાવાદ,રાજકોટ,વડોદરા સહિત મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારોમાં આમલેટ અને નોનવેજ વેચતી લારીઓ સામે ઝંબેશ આદરવામાં આવી હતી. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. જેમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં ખોટી રીતે લારી-ગલ્લાવાળાઓને પરેશાન કરવામાં આવ્યા છે. સ્ટ્રીટ વેન્ડર એકટ 2014 પ્રમાણે, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની જાણ કે નોટિસ આપ્યા વિના જ અમદાવાદ સહિત અલગ અલગ શહેરમાં લારી-ગલ્લાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, એ યોગ્ય નથી. સ્ટ્રીટ વેન્ડર્સ એકટ 2014ની કલમ-3 પ્રમાણે તમામ લારી-ગલ્લા અને પાથરણાધારકોનો સર્વે થવો જરૂરી છે, એ બાદ જ ધારાધોરણ પ્રમાણે 30 દિવસની નોટિસ આપ્યા બાદ જ એને દૂર કરી શકાય છે.  ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન BPMC એકટ હેઠળ લારી-ગલ્લા અને પાથરણાવાળા સામે કાર્યવાહી કરવાનો દાવો તો કરે છે, પરંતુ 2014 સ્ટ્રીટ વેન્ડર એકટની કલમો આ વિષયને લાગતા બધા કાયદામાં સર્વોચ્ચ છે, જેથી અરજદાર તરફથી એવી માગ કરવામાં આવી છે કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનું રાજ્યમાં યોગ્ય રીતે પાલન કરવામાં આવે, સાથે જ કોર્પોરેશન મારફત લારી-ગલ્લાધારકોનો સામાન જપ્ત કરવાનો કોઈ અધિકાર નથી.

આ અરજીમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો દિવસ દરમિયાન જાહેરમાં કોઈ પશુ અથવા પક્ષીને કાપીને મારી નાખવામાં આવે તો અન્ય લોકો માટે વાંધાજનક હોઈ શકે છે, પરંતુ જાહેરમાં એનું વેચાણ કે એને આરોગવામાં વાંધો ન હોઈ શકે, એ વ્યક્તિ પસંદગીની બાબત છે. અરજદારના વકીલની એ પણ દલીલ છે કે કેટલાક શાકાહારી લોકો પશુમાંથી આવતા દૂધ, ચીઝ, મધ ખાવાને પણ યોગ્ય નથી માનતા, તો શું એ બંધ કરી દેવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code