અરવલ્લી: બટાકાનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો, ખેડૂતોને નુક્સાન
- ડિમાન્ડ કરતા સપ્લાય વધારે
- અરવલ્લીમાં ખેડૂતોને નુક્સાન
- બટાકાનો ભાવ ઓછો મળ્યો
અરવલ્લી જિલ્લામાં બટાકાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. મોટેભાગે વેફર બનાવવામાં વપરાતા એલ.આર. બટાકાના વાવેતર બાદ ચાલુ વર્ષે ખેડૂતોને વિઘાદીઠ 30થી 40 મણનો ઉતારો ઓછો મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
અરવલ્લી જિલ્લામાં ખેડૂતો એ બટાકા કાઢવાની શરૂઆત કરી દીધી છે, જિલ્લાના મોડાસા, ધનસુરા, બાયડ સહિત જિલ્લાભરના તાલુકાઓમાં ખેડૂતોએ વાવેલો બટાકાનો પાક તૈયાર થતા તેને કાઢવાની શરૂઆત કરવામાં આવી છે. બનાસકાંઠા બાદ અરવલ્લી જિલ્લો બટાકાનો હબ ગણાય છે ત્યાં ખેડૂતો દ્વારા નવા બટાકા કાઢવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર થયેલા માવઠાના કારણે બટાકા પાકના ઉત્પાદનને અસર જોવા મળી છે.
જિલ્લાના ખેડૂતો મોટેભાગે એલ.આર. બટાકા સૌથી વધુ વાવતા હોય છે જેનો ઉપયોગ નમકીન કંપનીઓ દ્વારા વેફર બનાવવા માટે ઉપીયોગમાં લેવાતા હોય છે, ગત વર્ષની સરખામણીમાં વીઘા દીઠ 30 થી 40 મણનો ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો 210 થી 230 સુધી નો ભાવ બોલાઈ રહ્યો છે,,શિયાળામાં સમયાંતરે થયેલા કમોસમી વરસાદના કારણે બટાકાની ખેતીમાં ખેડુતોને નુકશાન સહન કરવાની નોબત આવી છે અને વીઘા દીઠ 30 થી 40 મણ ઓછો ઉતારો ઓછો આવી રહ્યો છે..હાલ ખેડૂતો દ્વારા સ્પેશ્યલ ગ્રેડિંગ મશીન દ્વારા ગ્રેડિંગ કરી પેકીંગ કરી ને તેને વેફર્સ કંપનીઓમાં એક્સપર્ટ કરવામાં આવી રહ્યા છે,,
એક તરફ ખાતર, બિયારણ, અને મજૂરીના ભાવો સતત વધી રહ્યા છે, ખેડૂતો ને બટાકાની ખેતી માટે વીઘા દીઠ 20 થી 25 હજાર જેટલો ખર્ચ થાય છે ત્યારે સતત પાંચ વર્ષથી બટાકાના ભાવો 200 થી લઈ 220 સુધીના રહેતા બટાકા વાવતા ખેડૂતો ને આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવી રહ્યો છે. બટાકાના વાવેતર પાછળ વધતા ખર્ચની સામે ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે સાથે જ પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતની દશા બગડી રહી છે ત્યારે સરકાર ખેડૂતો માટે બટાકાના પોષણક્ષમ ભાવો નક્કી કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.