- ગોવિંદ મંડળો માટે 35 ફુટ અને મહિલાઓ માટે 25 ફુટ ઊંચી મટકી રહેશે,
- મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ડ્રો કરાયો,
- કેન્દ્રિય મંત્રી સીઆર પાટીલ ઉપસ્થિત રહેશે
સુરતઃ જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ગામેગામ લોક મેળાની તૈયારીઓ ચાલી રહી છે, જ્યારે સુરતમાં સૌથી ઊંચી મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. શહેરના ભાગાળ ચાર રસ્તા ખાતે 35 ફુટ ઊંચી મટકી બાંધવામાં આવશે. શહેરના યુવાનોમાં મટકી ફોડનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગોવિંદા મંડળો દ્વારા પિરામિડ, લેયર, લાકડી દાવ સહિતની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી રહી છે. સૌથી મોટી અને ઊંચી દહીં હાંડી 35 ફૂટ ઊંચી ફોડનારા ગોવિંદા મંડળને 1.5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. મહિલા માટે પણ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા ગોવિંદાઓ પણ 25 ફૂટ ઊંચી બે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે.
સુરત શહેરમાં તારીખ 27 ઓગસ્ટ, 2024ના રોજ મંગળવારે સાંજે ચાર કલાકે ભાગળ ચાર રસ્તા ખાતે મટકી ફોડનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. યુથ ફોર ગુજરાત દ્વારા સંજય નગર ચોક લિંબાયત ખાતે મટકીને સલામી આપવા 11 મંડળો હાજર રહેશે 21 ગોવિંદા મંડળોએ લિંબાયત ખાતે મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે. આ સાથે બે મહિલા મંડળો પણ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લેશે. યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ દ્વારા રૂપિયા 1,51,000નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. લીંબાયતમાં પણ આ વર્ષે મહિલાઓ માટે વિશેષ બે દહીં હાંડી બાંધવામાં આવશે, જેમાં કેલજાઈમાતા મહિલા મંડળ વેડરોડ અને કમલાબા ગાર્ડન મહિલા ગોવિંદા મંડળ ગોડાદરા દ્વારા ફોડવામાં આવશે. જેમાં મહિલા ગોવિંદા માટે રૂપિયા 5,100નુ ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંતના જણાવ્યા મુજબ, ભાગળ ખાતે મુખ્ય મટકી ફોડ તેમજ લિંબાયતની મટકી ફોડ કાર્યક્રમનો ડ્રો કરવામાં આવ્યો હતો. જે ડ્રોમાં સુરત શહેરની ભાગળ ખાતેની મુખ્ય મટકી વેડ રોડનું શ્રી યુવક મંડળ દ્વારા ફોડવામાં આવશે, જેઓને રૂપિયા 11,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી આપવામાં આવશે. જેમાં સંયોજક તરીકે બેગમપુરાનું જય કિશન ગ્રુપ ઓફ સુરત જોડાશે, જેઓને રૂપિયા 5,100નું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવશે.
આ વર્ષે મહિલાઓ માટે ભાગળ ખાતે વિશેષ 2 મટકી બાંધવામાં આવશે, જેમાં અંબાજી રોડનું જય ભવાની સ્પોર્ટ કલબનું મહિલા મંડળ મટકી ફોડશે. તેમજ રૂદરપુરા ખારવા વાડનું આર. કે. સ્પોર્ટ ક્લબનું મહિલા મંડળ મટકી ફોડશે. એમ આ વર્ષે ભાગળ ખાતે મહિલા મંડળ દ્વારા બે મટકી ફોડવામાં આવશે. જેઓને પણ રૂપિયા 11,000નું રોકડ ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. ભાગળ ચાર રસ્તા ખાતે કેબિનેટ જળશક્તિ મંત્રી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી. આર. પાટીલના અધ્યક્ષ સ્થાને મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.