નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓથી શરૂ થયેલો હિજાબનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હિજાબનું સમર્થન કરતી વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં છે. તેમજ અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની માંગણી કરી હતી. જો કે, સર્વોચ્ચ અદાલતે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓના વકીલને હિજાબ વિવાદને લઈને કેટલીક તાકીદ પણ કરી હતી. વિદ્યાર્થિનીઓની અરજી ઉપર આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેસની હકીકત અનુસાર કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની માગણી કરનારાઓને સુપ્રીમ કોર્ટમાં હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે તાકીદે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. આટલું જ નહીં, કોર્ટે હિજાબ તરફી યુવતીઓના વકીલને કહ્યું કે આ મામલે સનસનાટી ઉભી કરવાથી દૂર રહેજો. વિદ્યાર્થિનીઓના ધારાશાસ્ત્રી દેવદત્ત કામતે કહ્યું હતું કે પરીક્ષાઓ શરૂ થવાની છે, આવી સ્થિતિમાં, કોઈના અભ્યાસને નુકસાન ન થાય તે માટે તાત્કાલિક સુનાવણીની જરૂર છે. દરમિયાન અદાલતે કહ્યું હતું કે, હિજાબ વિવાદને પરીક્ષા સાથે કોઈ લેવા-દેવા નથી. વિદ્યાર્થિનીઓના ધારાશાસ્ત્રી દેવદત્ત કામતની દલીલ પર ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું, “પરીક્ષાઓને આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી. તેનો ઉલ્લેખ કરીને ઉત્તેજના ન ફેલાવો. અગાઉ પણ, કોર્ટે હિજાબ વિવાદ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે હોળીની રજાઓ પછી તેના પર વિચારણા કરવામાં આવશે. આ મામલો ગુરુવારે ચીફ જસ્ટિસ સમક્ષ તાત્કાલિક સુનાવણી માટે મૂકવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હિજાબ મુદ્દે તાજેતરમાં જ કર્ણાટક હાઈકોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. હિજાબને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નહીં હોવાની પણ રાજ્યની વડી અદાલતે નોંધ કરી હતી.