ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથીઃ સુપ્રીમ કોર્ટમાં કર્ણાટક સરકારની રજૂઆત
નવી દિલ્હીઃ કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા ઉપર મનાઈ ફરમાવવામાં આવતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. આ અરજીની સુનાવણીમાં કર્ણાટક સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રજૂઆત કરી હતી. તુષાર મહેતાએ રજૂઆત કરી હતી કે, ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નથી, એટલું જ નહીં ઈરાન સહિત ઈસ્લામિક દેશમાં મહિલાઓ હિજાબ મુદ્દે આંદોલન કરી રહી છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. હિજાબ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના 8મા દિવસે રાજ્ય સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચ હવે આવતીકાલે આ મામલે સુનાવણી કરશે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્ણાટક સરકારનો આદેશ રજૂ કર્યો હતો જેમાં ભલામણ કરવામાં આવી હતી કે તમામ વિદ્યાર્થીઓએ નિર્ધારિત ડ્રેસ પહેરે. આ પરિપત્ર ધર્મ-તટસ્થ દિશામાં છે, યુનિફોર્મ તમામ ધર્મના વિદ્યાર્થીઓ દ્વારા લાગુ થવો જોઈએ. તેમણે કહ્યું કે 2021 સુધી તમામ વિદ્યાર્થીઓ આરામથી ડ્રેસ કોડનું પાલન કરતા હતા. PFIએ સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવીને લોકોને ઉશ્કેર્યા છે.
તેમણે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ઘણી મુસ્લિમ છોકરીઓ હિજાબ પહેરવા લાગી છે. જવાબમાં હિંદુ વિદ્યાર્થીઓએ કેસરી ગમછા પહેરવાનું શરૂ કર્યું. રાજ્ય સરકારે શિસ્તને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક સંસ્થાઓને ડ્રેસ કોડ લાગુ કરવા જણાવ્યું છે. હિજાબ ઇસ્લામનો ફરજિયાત ભાગ નથી. ઈરાન સહિત ઘણા ઈસ્લામિક દેશોમાં મહિલાઓ હિજાબ સામે લડી રહી છે.