અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. આજે સવારથી જ અમદાવાદ સહિત મહાનગરોમાં હિલ સ્ટેશન જેવા વાતાવરણનો અહેસાસ થયો હતો. વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. આખો દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ રહ્યું હતું. અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ગત રાત્રે ભારે પવન ફૂંકાયો હતો.
અમદાવાદ શહેરમાં સવારે ધૂમ્મસ સાથે ભારે પવન ફુંકાયો હતો. અને ત્યારબાદ કમોસમી વરસાદના છાંટણા પડતાં હીલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો. તેના લીધે ઠંડીમાં પણ વધારો થતાં શહેરીજનોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. અમદાવાદ. ઉપરાંત ગાંધીનગર અને સુરત જેવાં શહેરોમાં સીમલા જેવું વાતાવરણ જોવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. કમોસમી વરસાદની આગાહી સાથે વાદળછાયું વાતાવરણ રહ્યું છે.
રાજકોટમાં આજે સવારથી સૂર્યદેવ વાદળોમાં છુપાયેલા રહેતાં વાદળિયા માહોલમાં હવામાં ભેજના વધારા સાથે ઠંડો પવન ફૂંકાવાનો શરૂ થતાં છેલ્લા 24 કલાકથી લોકોને સ્વેટર, ટોપી, શાલ, મફલરનો સહારો લેવો પડયો હતો. ભરબપોરે ઠંડકથી રાજકોટમાં હિલ સ્ટેશન સમા દૃશ્યો જોવા મળ્યાં હતાં. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પર માવઠું પડ્યું હતું.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.