હિમાચલ પ્રદેશ ચૂંટણીઃ 33 બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગી મામલે BJPમાં અસમંજસ ભરી સ્થિતિ
નવી દિલ્હીઃ ઉત્તરભારતના હિમાચલ પ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેની તૈયારીઓ રાજકીયપક્ષોએ શરૂ કરી છે. દરમિયાન ભાજપની ટિકિટ નક્કી કરવામાં 33 સીટો પર પેચ અટકાયો છે. નવી દિલ્હીમાં યોજાયેલી રાજ્ય ચૂંટણી સમિતિની બેઠકમાં 35 બેઠકો માટે વિજેતા ઉમેદવારોના એકલ નામની પેનલ તૈયાર કરીને સંસદીય બોર્ડને મોકલવામાં આવી છે. ચારેય સંસદીય સીટો પર આ સ્થિતિ છે. કાંગડા, શિમલા, મંડી જેવા મોટા જિલ્લાઓમાં પણ મૂંઝવણ છે. બીજી તરફ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
રાજ્યની 68 વિધાનસભા બેઠકોમાંથી, 35 મોટાભાગે સીટિંગ ધારાસભ્યો છે, જેમના નામ ભાજપની રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા મોકલવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં ભાજપના 43 ધારાસભ્યો છે. કોંગ્રેસના બે અને બે અપક્ષ ધારાસભ્યો ભાજપ સાથે છે. આવી સ્થિતિમાં આ ચાર ધારાસભ્યોના દહેરા, જોગીન્દરનગર, કાંગડા અને નાલાગઢના વિસ્તારોમાં સમસ્યા છે.
સીટીંગ ધારાસભ્યો કે ભાજપના પૂર્વ ઉમેદવારો કે અન્ય ઉમેદવારો વચ્ચે કોને નક્કી કરવું તે અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. અહીંથી પણ બે મંત્રીઓ અને 12 ભાજપના ધારાસભ્યોના એન્ટિ-ઇન્કમ્બન્સી ફેક્ટરના કારણે બેથી ત્રણ નામ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવ્યા છે.
નવી દિલ્હીમાં મુખ્યમંત્રી જયરામ ઠાકુરની અધ્યક્ષતામાં ભાજપ રાજ્ય ચૂંટણી સમિતિની મેરેથોન બેઠક યોજાઈ હતી. આમાં ચર્ચા કર્યા બાદ 68માંથી 35 સીટો પર એક-એક અને બાકીની 33 સીટો પર બે થી ત્રણ નામોની યાદી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવી છે.