નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં કાલકા-શિમલા નેશનલ હાઈવે પર કામ પર જઈ રહેલા મજૂરોને પૂરઝડપે પસાર થતી મોટરકારે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પાંચ પરપ્રાંતિય મજૂરોના મોત થયા હતા. જ્યારે ચાર રાહદારીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ધરમપુર ખાતે લઇ જવાયા હતા. જ્યાંથી એક મજૂરની ગંભીર હાલતને જોતા પીજીઆઈ ચંદીગઢ રીફર કરવામાં આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગઈ.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલકા-શિમલા હાઈવે ઉપર પૂરઝડપથી મોટરકાર પસાર થઈ રહી હતી. આ કાર સોલનથી પરવાનુ તરફ જઈ રહી હતી. પરંતુ સુક્કી જોહરી પાસે રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા નવ મજૂરોને મોટરકારે ટક્કર મારી હતી. આ પછી કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. અકસ્માત અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. મજૂરો યુપીના કુશીનગર અને બિહારના છપરા જિલ્લાના રહેવાસી છે. દુર્ઘટના બાદ ધારાસભ્ય વિનોદ સુલતાનપુરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલા સ્થાનિકો અને 108ની ટીમોએ બચાવ કામગીરી આરંભી હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.
આ દૂર્ઘટનામાં ગુડ્ડુ યાદવ, રાજા વર્મા, નિપ્પુ નિષાદ (ત્રણેય મૂળ રહે, ચંપારણ, બિહાર), મોતીલાલ યાદવ અને સની ( બંને રહે, કુશીનગર, ઉત્તરપ્રદેશ)ના ઘટના સ્થળે જ કરુણ મોત થયાં હતા. તમામ મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. માર્ગ અકસ્માતમાં પાંચ શ્રમિકોના મૃત્યુ થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
(Photo-File)