અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન ડીસાના આ ઘટનાના વિરોધમાં લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવેલા લોકોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન પરિસ્થિતિ વણસતા પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના એઝાઝ મુસ્તુફા શેખના નામના શખ્સે પ્રેમજાળમાં ફસાવી હતી. એટલું જ નહીં યુવતીના ભાઈ-બહેનનું બ્રઈનવોશ કરીને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. આ બનાવની જાણ થતા યુવતીના પિતા એઝાઝને મળ્યાં હતા. તેમજ પત્ની-દીકરો અને દીકરીને પરત લઈ જવાની વાત કરી હતી ત્યારે એઝાઝ શેખે તેમની પાસે રૂ. 25 લાખની માંગણી કરી હતી.
અંતે હતાશ થયેલા યુવતીના પિતાએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને બે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ ઘટના સામે આવતા હિન્દુ સંગઠનો અને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. તેમજ શનિવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
જેથી સ્થાનિક વેપારીઓએ વેપાર-ધંધો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવેલા લોકોએ ડીસાના બગીચા સર્કલથી રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન મામલો બિચકતા પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાનું જાણવા મળે છે. હિન્દુ સંગઠનો દ્વારા લવજેહાદ જેવી ઘટનાઓને અંજામ આપનારાઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસે કરેલા લાઠીચાર્જમાં અનેક વ્યક્તિઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.