હિંદુ સેનાએ અનુરાગ ઠાકુરને પત્ર લખીને સેન્સર બોર્ડના અધ્યક્ષ પદેથી પ્રસૂન જોશીને હટાવવાની માંગ કરી,જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈ:હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરને પત્ર લખીને સેન્સર બોર્ડના અધ્યક્ષ પદેથી પ્રસૂન જોશીને હટાવવાની માંગ કરી છે.પત્રમાં કહેવામાં આવ્યું છે કે,હિંદુ ધર્મને ઠેસ પહોંચાડનારી ફિલ્મો સતત રિલીઝ થઈ રહી છે.ફિલ્મની પ્રસિદ્ધિ માટે હિંદુઓને ઠેસ પહોંચે તેવા દ્રશ્યો જાણી જોઈને નાખવામાં આવ્યા છે અને સેન્સર બોર્ડ તેને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણના એક ગીતને લઈને વિવાદ થયો છે. ખરેખર, ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણે પહેરેલી બિકીનીનો રંગ કેસરી છે. ભાજપના અનેક નેતાઓ અને હિન્દુ સંગઠનોએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે,આનાથી હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હવે આ વિવાદ વચ્ચે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષે ખુદ સેન્સર બોર્ડના અધ્યક્ષને હટાવવાની માંગ કરી છે.
પહેલા ટ્વિટર પર બોયકોટનો ટ્રેન્ડ શરૂ થયો, ત્યારબાદ ઘણી જગ્યાએ ફિલ્મનો વિરોધ જોવા મળ્યો. ઇન્દોરમાં શાહરૂખ ખાનના પોસ્ટર પર ચપ્પલથી માર મારવામાં આવ્યો હતો અને તેનું પૂતળું બાળવામાં આવ્યું હતું.ગયા દિવસે મથુરામાં કિંગ ખાનનું પૂતળું પણ બાળવામાં આવ્યું હતું અને ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી હતી.