હિંદુ દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. હિંદુ ધર્મના અનુયાયીઓની સૌથી વધુ 100 કરોડની સંખ્યા ભારતમાં છે. ભારત સિવાય પણ વિશ્વના ઘણાં દેશોમાં શાંતિપ્રિય પ્રજા તરીકે હિંદુ વસવાટ કરે છે. પાડોશી દેશ પાકિસ્તાન કે જે 1947ની 14મી ઓગસ્ટ પહેલા ભારત હતો, ત્યાં પણ હિંદુઓ વસવાટ કરે છે. આખી દુનિયામાં 13 ટકા વસ્તી પ્રમાણ ધરાવતા હિંદુઓની જનસંખ્યા પાકિસ્તાનમાં માત્ર 1.6 ટકા છે.
જો કે પાકિસ્તાનમાં થનારા સેન્સસ સામે સતત આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે. પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ પ્રમાણે પાકિસ્તાનના અલગ-અલગ રાજ્યોમાં 8000000થી વધારે હિંદુઓ વસવાટ કરાતા હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં સૌથી વધુ હિંદુઓ સિંધ પ્રાંતમાં વસવાટ કરી રહ્યા છે.
પાકિસ્તાનના 96 ટકા મુસ્લિમો વચ્ચે હિંદુ સૌથી મોટી ધાર્મિક લઘુમતી છે. 20 કરોડથી વધારે વસ્તીમાં હિંદુઓ મોટાભાગે સિંધ પ્રાંતના શહેરી વિસ્તારમાં સિંધુ ખીણ અને સાઉથ-ઈસ્ટ સિંધમાં આવેલા થરપારકરમાં વસવાટ કરે છે. પાકિસ્તાનમાં વસવાટ કરતા મોટાભાગના હિંદુઓ શિક્ષિત છે અને વાણિજ્ય-વેપાર અને સિવિલ સર્વિસમાં સક્રિય છે.
સિંધ એક સમયે હિંદુ બહુમતી ધરાવતો પ્રદેશ હતો. પરંતુ 712માં મોહમ્મદ બિન કાસિમના આક્રમણ અને બાદમાં પર્શિયન અને તુર્કોના હુમલા વખતે સિંધીઓ દ્વારા મોટા પ્રમાણમાં તલવારની અણિએ ઈસ્લામ કબૂલવામાં આવ્યો હતો. 1947માં ભાગલા વખતે સિંધમાં ઘણાં મોટા પ્રમાણમાં હિંદુઓ હતા. કરાચી અને લાહોર જેવા પાકિસ્તાનના મોટા શહેરોની રોનકનું કારણ પણ હિંદુઓની વસ્તી અને વેપાર-વાણિજ્ય હતા. જો કે ભાગલા વખતે નોર્થવેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ અને પંજાબમાં થયેલી ધાર્મિક હિંસાને કારણે હિંદુઓને ભારતમાં નિરાશ્રિત થવું પડયું હતું. તો સિંધમાં હિંદુઓને પણ હિંસાના ભયને કારણે ભારતમાં વિસ્થાપિત થવાનો વારો આવ્યો હતો. સિંધમાંથી 1948 સુધીમાં ઘણાં મોટા પ્રમાણમાં હિંદુઓનું વિસ્થાપન થયું અને તેઓ ભારતમાં રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, મુંબઈ, ઈન્દૌર જેવા સ્થાનો વસવાટ કરવા લાગ્યા હતા.
જો કે હાલમાં પાકિસ્તાનમાં વસવાટ કરતા કુલ હિંદુઓના 94 ટકા હિંદુઓ એકલા સિંધમાં જ વસવાટ કરે છે. આમાના ચાર ટકા જેટલા પંજાબ પ્રાંતમાં અને બાકીના બલૂચિસ્તાન અને ખૈબર-પખ્તૂનખ્વાં પ્રાંતોમાં વસવાટ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં સત્તાવાર રીતે હિંદુઓનું પ્રમાણ 1.6 ટકા છે, જ્યારે બિનસત્તાવાર રીતે ટકા જેટલા હિંદુઓ હોવાના અલગ-અલગ સંસ્થાઓ દ્વારા દાવા કરવામાં આવે છે. સિંધ પ્રાંતમાં હિંદુઓની વસ્તી 17 ટકાથી વધારે છે. જ્યારે બલૂચિસ્તાનમાં એક ટકાથી વધારે અને પંજાબ તથા ખૈબર પખ્તૂનખ્વાંમાં હિંદુઓની વસ્તી એક ટકાથી ઓછી છે.