Site icon Revoi.in

રાજકોટ નજીક હિસાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું હવે એકાદ-બે મહિનામાં લોકાર્પણ કરાશે

Social Share

રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટથી અમદાવાદ જતાં હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ એકાદ-બે મહિનામાં કરાશે. આ એરપોર્ટ કાર્યરત થતાં સૌરાષ્ટ્ર એર કનેક્ટિવીટીથી વિદેશ સાથે જોડાઈ જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન  રાજકોટના  હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન જૂલાઈના અંત અથવા તો ઓગસ્ટના પ્રારંભે થાય તેવી શક્યતા છે. અને એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે  થાય તે માટે તેમનો સમય પણ માંગવામાં આવી રહ્યો છે. આ અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, હાલ હિરાસર એરપોર્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ખેડૂતનો પ્રશ્ન ઉકેલાયો છે એકાદ-બે મહિનામાં  એરપોર્ટ શરૂ થવાની શક્યતા છે. એરપોર્ટમાં નડતરરૂપ 200 ચો.મી. ખાનગી ખેડૂતની માલિકીની જમીનનું સંપાદન થઈ ચૂક્યું છે. તે સંપાદન અંગેનો ખેડૂતનો પ્રશ્ન ઉકેલાઇ ગયો છે અને ખેડૂતને યથાયોગ્‍ય વળતર અંગે બાંહેધરી અપાઇ છે. આ પ્રશ્ન હલ થતા બાકી બાઉન્‍ડ્રી વોલ બનાવવાનું શરૂ કરાયું છે. તમામ સીવીલ વર્ક અને અન્‍ય કામગીરી પૂર્ણ થતાં હિરાસર એરપોર્ટ અઢી મહિના બાદ શરૂ થઇ શકે છે. હાલ ત્યાં પાણીનો કોઇ પ્રશ્ન નથી, પરંતુ એરપોર્ટ શરૂ થયાના એક વર્ષ પછીની પાણીની જે જરૂરિયાત રહેશે તે અંગે કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે, આ બાબતે ફોરેસ્‍ટના હાઇ લેવલ અધિકારીઓ સાથે ચર્ચા પણ થઇ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હીરાસર એરપોર્ટનાં ટર્મિનલ બિલ્ડિંગનું કામ 95 ટકા જેટલું પૂર્ણ થયું છે. હિરાસર એરપોર્ટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાનનો સમય માંગવામાં આવ્યો છે. અને આગામી જૂલાઈના અંત અથવા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં  એરપોર્ટનું ઉદ્ઘાટન થાય તેવી પુરી શક્યતા છે. હાલ એરપોર્ટની કામગીરી અંતિમ તબક્કામાં છે અને કન્સ્ટ્રક્શન કામગીરી મોટાભાગની પૂર્ણતાના આરે પહોંચી ગઈ છે. આ ઉપરાંત 3040 બાય 45 મીટરનો રન-વે, એપ્રોન, ટેક્સી-વે, બોક્સ, 45 મીટરનો રન-વે, એપ્રોન, ટેક્સી-વે, બોક્સ કલવર્ટ, આઈસોલેશન બે, ફાયર સ્ટેશન સહિતની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આ ઉપરાંત એજીએલ સબ સ્ટેશન, ગ્રેડિંગ, ઈન્ટર્નલ એપ્રોચ રોડનું કામ પણ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.