Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં ઐતિહાસિક વધારો, BSE પ્રથમવાર 7900ને પાર

Social Share

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુરુવારનું ટ્રેડિંગ સેશન સેન્સેક્સ અને નિફ્ટી માટે ઐતિહાસિક રહ્યું છે. પહેલીવાર સેન્સેક્સ 79,000ને પાર કરી ગયો છે અને નિફ્ટી 24,000ની ઉપર બંધ થયો છે. બજારમાં આ ઉછાળાનો શ્રેય આઈટી અને એનર્જી શેરોને જાય છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 569 પોઈન્ટના ઉછાળા સાથે 79,243 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 175 પોઈન્ટના ઉછાળા સાથે 24,044 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

આજના ટ્રેડિંગ સેશનમાં શાનદાર ઉછાળાને કારણે માર્કેટ કેપ પણ મજબૂત વધારા સાથે બંધ થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 438.69 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 437.02 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.67 લાખ કરોડનો વધારો થયો છે.

આજના સેશનમાં આઈટી શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ થયો છે. આ સિવાય ઓટો, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે મીડિયા, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ શેરો ઉછાળા સાથે બંધ થયા જ્યારે સ્મોલકેપ શેરો ઘટાડા સાથે બંધ થયા. આજે BSE પર 4001 શેરોનું ટ્રેડિંગ થયું હતું જેમાં 1519 શેરો ઉછાળા સાથે અને 2364 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. 314 શેર ઉપલી સર્કિટ સાથે બંધ થયા હતા જ્યારે 228 શેર નીચલી સર્કિટ સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેર લીલા નિશાનમાં અને 6 ઘટીને બંધ થયા હતા.