Site icon Revoi.in

ધ્રાંગધ્રામાં ઐતિહાસિક ઈમારતો પુરાતત્વ વિભાગની બેદરકારીને કારણે ખંઢેરે બની

Social Share

ધ્રાંગધ્રાઃ શહેરમાં વર્ષો જુની અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે. આ ઈમારતો શહેરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરે છે. ત્યારે પુરાતત્વ વિભાગની બેદરકારીને કારણે શહેરની ઐતિહાસિક ઈમારતો ખંઢેર બની રહી છે. મરામતના અભાવે ઈમારતોમાંથી પથ્થરો પણ નીકળી રહ્યા છે. આ અંગે નગરપાલિકા દ્વારા પુરાતત્વ વિભાગને લેખિત રજુઆત કરવા છતાંયે મરામત માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી.

ધ્રાંગધ્રા શહેરમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે, ભૂતકાળમાં આ ઈમારતોમાં ફીલ્મોના શુટીંગ પણ કરવામાં આવેલા છે. ત્યારે ઐતિહાસિક ઈમારતો મરામત વગર ખંઢેર બની રહી છે. આથી પુરાતત્વ વિભાગ દ્વારા યોગ્ય ગ્રાંટ ફાળવી સારસંભાળ લે તેવી લોકમાંગ ઊઠી છે. સમગ્ર દેશમા ધ્રાંગધ્રાના રાજવીના વહીવટી કુશળતા અને શાસનમા આગવુ નામ રહેલુ છે. 200 વર્ષ પહેલા ધ્રાંગધ્રાના રાજવી દ્વારા શહેરમાં બાગ બગીચા, શિક્ષણ, રસ્તા, પાણીની સુવિધા સાથે પ્લાનીંગ કરવામાં આવ્યુ હતું. તત્કાલિન સમયે ધ્રાંગધ્રાના પથ્થરોમાંથી કારીગરો દ્વારા વિવિધ ઐતિહાસિક ઈમારતો ગેટ, કિલ્લો, મહેલ અને સ્મારકો બનાવવામાં આવ્યા હતા. ઐતિહાસિક સ્મારકો ધ્રાંગધ્રાની સાન વધારી રહ્યા છે. લોકો દુર દુરથી ઐતિહાસિક ઈમારતો અને કિલ્લાને જોવા માટે આવે છે, અનેક ફીલ્મોના શુટીંગ પણ કિલ્લામાં થયેલા છે.

રાજ્યના પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ અગાઉ ધ્રાંગધ્રાના ફરતે આવેલા ગઢને પુરાતત્વની ગ્રાંટથી મરામત કરાવ્યો હતો. અત્યારે ધ્રાંગધ્રા સાન એવી ઐતિહાસિક ઈમારતો મરામત વગર ખંઢેર બની રહી છે. આ ઐતિહાસિક ઈમારતો મરામત ઝંખી રહી છે. આથી ધ્રાંગધ્રાનો કિલ્લો, મહેલ, બજાર વિવિધ ગેટો, મંદિરોની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી લોકોમાં માગ ઊઠી છે. નગરપાલિકાના દ્વારા ઈમારતોની જાળવણી કરવા માટે પુરાતત્વ વિભાગને ફરીવાર દરખાસ્ત કરી માગણી કરવામાં આવશે.