Site icon Revoi.in

દ્વારકામાં રચાયો ઈતિહાસ, 37000 આહિરાણીઓ એકસાથે પરંપરાગત વસ્ત્રો પહેરીને રાસ રમ્યાં

Social Share

દ્વારકાઃ દ્વારકાધિશના આંગણે અનોખો ઈતિહાસ રચાયો હતો. રવિવારે નંદગામ પરિસર ખાતે 37,000 આહિરાણીઓ  પારંપરિક પહેરવેશ અને માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં પહેરી એકસાથે રાસ રમતાં ભક્તિભાવનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે રાસની શરૂઆત થઈ હતી જે 10:30 સુધી સુધી ચાલ્ચા ત્યાર બાદ રૂક્ષ્મણી મંદિરથી જગત મંદિર સુધી વિશ્વ શાંતિ રેલી નીકળી હતી. મહારાસને જોવા બે લાખથી વધુ લોકો ઉમટ્યાં હતા. શંકરાચાર્યના પ્રતિનિધિ દ્વારા શાંતિ સંદેશ આપવામાં આવ્યો હતો.

દ્વારકામાં આહીરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. દેશ-વિદેશમાં વસવાટ કરતાં આહિર સમાજના પરિવારની બહેનો રાસ રમવા દ્વારકા પહોંચી હતી. શ્રીકૃષ્ણ યાદવ કુળની 37000 આહીરાણીઓ ગરબો લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશનાં ચરણોમાં અર્પણ કરી દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. લોકવાયકા પ્રમાણે અંદાજે 550 વર્ષ પહેલાં કચ્છના વ્રજવાણીમાં આહીરાણીઓ સાથે શ્રી કૃષ્ણ રાસ રમવા ઢોલીરૂપે આવ્યા હતા. તેની સ્મૃતિરૂપે આ મહારાસ યોજાયો હતો. 37 હજારથી વધુ આહીરાણીઓ માયાભાઈ આહીર, અનિરુદ્ધ આહિર, સભી બેન આહીર, મેક્સ આહીર, ભાવેશ આહીરની તાલે પારંપરિક રાસ પૂર્ણ થયા હતા.

મહારાસને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતુ. આખીલ ભારતીય મહારાસ સંગઠન દ્વારા દ્વારકા જગતમંદિર અદભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વારથી મંદિર જવાના માર્ગ પર  રંગબેરંગી લાઈટોની રોશની કરવામાં આવી હતી. જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતા અને રોમાંચકતાનો અનુભવ કરે છે. સમગ્ર દ્વારકામાં કૃષ્ણમય ભક્તિનો માહોલ જામ્યો છે. નાગેશ્વર રોડ પર આવેલા રુકિ્મણી મંદિરની બાજુમાં આહીર સમાજના અગ્રણી મૂળુભાઈ કંડોરિયાની જમીન પર આહીરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્થળને નંદધામ પરિસર નામ આપવામાં આવ્યું છે, જે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યાં ડોમ, મંડપ, પ્રસાદ, રહેવા માટે શામિયાણા, પાર્કિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી.