બાંગ્લાદેશમાં ભગવાનની 155 વર્ષ જૂની રથયાત્રાનો ઇતિહાસ મળ્યો, નાટોરામાંથી મળેલા શિલાલેખમાં ઉલ્લેખ
નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં નાટોરના મધનગર ગામમાં તાજેતરમાં પ્રાચીન શિલાલેખ મળી આવી છે, જે 155 વર્ષ જૂના “રથયાત્રા” ઉત્સવનો ઇતિહાસ ધરાવે છે. સફેદ પથ્થર પર સીસા વડે બાંગ્લા મૂળાક્ષરોમાં સંસ્કૃતમાં લખાણ લખ્યું છે. આ ઉપરાંત મંદિર પાસેથી ભગવાનનો કાંસ્યનો ઐતિહાસિક રથ પણ મળી આવ્યો છે. જો કે, વર્ષ 1970માં મંદિર નાશ પામ્યું હતું.
બાંગ્લાદેશના સ્થાનિક અખબારના રિપોર્ટ અનુસાર, હિંદુ પૂજારી પિન્ટુ અધિકારીના નિવાસસ્થાન પાસેથી આ પ્રાચીન શિલાલેખ મળી આવી છે. હિન્દુ પુજારી પરિવારે વર્ષોથી આ શિલાલેખ સાચવી રાખ્યો હતો. પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ તેને “આર્ટિફેક્ટનો મૂલ્યવાન ભાગ” જાહેર કર્યો છે. રાજશાહી વિભાગીય પુરાતત્વ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર નાહીદ સુલતાનાએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં મધનગરની મુલાકાત લેશે. “આવો પથ્થર ખાનગી મકાનમાં રહી શકતો નથી. તે પ્રાચીન ઈતિહાસનો દસ્તાવેજ છે.”
વિષ્ણુ મંદિર સમિતિના પ્રમુખ પિન્ટુ અધિકારીએ જણાવ્યું હતું કે, આ શિલાલેખ મંદિરની આગળની દિવાલ ઉપર હતી પરંતુ 70ના દાયકામાં મંદિરનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારથી અમારા પરિવારે આ શિલાલેખને સાચવી રાખી છે.
રાજશાહી યુનિવર્સિટીના ભૂતપૂર્વ સંસ્કૃત પ્રોફેસર મંજુલા ચૌધરીએ શિલાલેખનો અનુવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શિલાલેખમાં લખ્યું છે કે, પાબનાના દિલાલપુરના જામીનદાર જામીની સુંદરી બાશાકએ 1867માં મધનગર ખાતે કાંસ્યથી બનેલા રથને સંરક્ષણ આપ્યું હતું અને તેમને નજીકમાં એક વિષ્ણુ ભગવાનનું મંદિર પણ બનાવ્યું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષ 1947માં ભાગલા પહેલા દર વર્ષે ચોમાસામાં અહીં ભગવાનની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું. મહિના સુધી સુધી ચાલનારી આ રથયાત્રામાં ભારતીય ઉપખંડમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હતા. આજે પણ મંદિરની પાસે આ રથ ઉભો છે પરંતુ રથની મોટાભાગની ભવ્યતા લૂંટી લેવામાં આવી છે, કારણ કે તે વર્ષોથી ઉપેક્ષિત છે.
(Photo-The Daily Star, Bangladesh)