- બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી,
- અકસ્માત બાદ સગીર કારચાલક કાર સાથે ફરાર,
- મર્સિડીઝ કાર નામી બિલ્ડરનો સગીર પૂત્ર ચલાવતો હોવાનો આરોપ
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં ગત તા. 14મી સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વાહનની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ બોપલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની પોલીસ દ્વારા તપાસ કરાતા આ અકસ્માત મર્સિડીઝ કારથી બિલ્ડરના સગીર દીકરાએ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતના સીસીટીવીના ફૂટેજ પણ મેળવ્યા છે. જેમાં આરોપી ફૂલ સ્પિડમાં જતો દેખાય રહ્યો છે. હાલ આ મામલે બોપલ પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. એક મર્સિડીઝ કાર ચાલકે સિક્યોરિટી ગાર્ડને ટક્કર મારતા તેમનું મોત થયુ હતુ. મુળ ઉત્તરપ્રદેશના 34 વર્ષીય યુવાન ગોવિંદસિંગ રામબરનર્સિંગ સાઉથ બોપલમાં રહીને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતાં. તેમજ તેઓના ભાઈ જસવંતસિંગ રામબરનસિંગ પણ શાશ્વત એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. બંને ભાઈઓ શનિવારની રાત્રિના સમયે ફરજ પર હતા. દરમિયાન સાડા અગિયારેક વાગ્યાના સુમારે ગોવિંદસિંગ મારુતી મેડિકલની સામે આવેલ પાનના ગલ્લા ઉપર તમાકુ લેવા ગયા હતા. આશરે પોણા બારેક વાગ્યાના સુમારે રોડ ઉપર અચાનક અકસ્માત થવાનો અવાજ આવતા લોકો ભેગા થઇ ગયા હતાં. આ વખતે જશવંતસિંગ ત્યા દોડી જઈને જોયુ તો ગોવિંદસિંગ બોપલ સોબ્રો તરફ જવાના રોડ ઉપર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જમણા પગના ઘુંટણના નીચે નળાના ભાગે તથા માથાના પાછળના ભાગે ઈજા થઈ હોવાથી લોહી નીકળતું હતું. આ દરમિયાન જશવંતસિંગને જાણવા મળ્યું હતું કે, ગોવિંદસીંગ રોડ ક્રોસ કરતા હતા, તે દરમિયાન કોઇ અજાણ્યા કારચાલક અકસ્માત કરી ભાગી ગયો હતો. જે બાદ ગોવિંદસિંગને 108 મારફત સોલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતા જશવંતસિંગે બોપલ પોલીસમાં અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મૃતકના ભાઈની ફરિયાદના આધારે બોપલ પોલીસે સીસીટીવી કેમેરા સહિતની મદદથી કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજ મળતા આરોપીની ઓળખ કરી લીધી છે. મર્સિડીઝ કારનો ચાલક બિલ્ડરનો સગીર દીકરો હોવાનું સામે આવ્યું છે. બિલ્ડરના સગીર પુત્રએ પૂર ઝડપે કાર ચલાવીને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી હતી. હાલમાં બોપલ પોલીસે સગીર આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.