Site icon Revoi.in

ગાંધીનગરમાં હિટ એન્ડ રનઃ કારે સ્કૂટરને ટક્કર મારતા બેના મોત

Social Share

• અકસ્માતમાં એક વ્યક્તિ થઈ ઘાયલ
• અકસ્માત સર્જી કાર ચાલક ફરાર
• પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ગાંધીનગરમાં પૂર ઝડપે પસાર થતા મોટરકારે સ્કૂટરને અડફેટે લેતા તેની ઉપર સવાર મહિલા અને તેની દીકરીનું મોત થયું હોવાનું જાણવા મળે છે. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કવાયત શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક મહિલા બે બાળકોને લઈને રાત્રીના સમયે સ્કૂટર ઉપર પસાર થતી હતી. દરમિયાન પૂરઝડપે આવતી કારે ટક્કરે સ્કૂટરને અડફેટે લીધું હતું. જેથી તેની ઉપર સવાર ત્રણેય વ્યક્તિઓ ફંગોળાઈને નીચે પટકાયાં હતા. આ અકસ્માતમાં યોગીની બેન અને તેમની પુત્રી જેમીનીબેનનું મોત થયું હતું. જ્યારે પુત્રને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.

આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ માતા-દીકરીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપીને તપાસ આરંભી હતી. પોલીસની તપાસમાં અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલી કાર જીગ્નેશ નામની વ્યક્તિની હોવાનું જાણવા મળે છે. પોલીસે કારના નંબરના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઈન્ફોસિટી પોલીસે આસપાસના સીસીટીવીના આધારે કાર ચાલકને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.