સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર બોડીયા પાસે અજાણ્યા વાહને કારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ-પત્નીનું મોત થયું હતું. 2 બાળકો સહિત 7 લોકોને ઈજા પહોંચી હતી. અકસ્માત કરી વાહનચાલક નાસી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા રહેતા ઘનશ્યામ જગદીશભાઈ ઠક્કર પત્ની, માતા, પિતા, ભાઈ, ભાભી, પુત્ર, પુત્રી અને માસી સાથે વીરપુર દર્શન કરવા ગયા હતા. બીજા દિવસે સાંજે દર્શન કરી પરિવાર સાથે ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે રાજકોટ-લીંબડી હાઈવે પર બોડીયા પાસે પાછળથી આવતા અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. ટક્કર વાગતા કાર બે-ત્રણ વાર પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સર્જાતા રાહદારીઓ દોડી આવ્યા હતા. ઘાયલોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જયાંથી વધુ સારવાર અર્થે ઈજાગ્રસ્તોને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જગદીશભાઈ અને તેમના પત્ની સુમિત્રાબેનનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને નાસી ગયેલા વાહનની શોધખોળ હાથ ધરી છે.
(Photo-File)